પાપુઆ-ન્યૂગિનિમાં બ્રીજ તૂટી પડતાં ભૂસ્ખલન પીડિતોને સહાય આપવાનો માર્ગ બંધ થયો
- આટલી મુશ્કેલીમાં વરસાદે વધારો કર્યો છે
- માટી અને પથ્થરો દૂર કરવાના ભારે યંત્રો બીજા માર્ગેથી લઈ જવા પડે છે તેથી સહાય જલ્દી પહોંચી શકતી નથી
જીનીવા : પાપુઆ-ન્યૂગિનિમાં થયેલા ભયંકર ભૂપ્રપાતમાં માટી અને પથ્થરો નીચે દટાયેલા આશરે ૨૦૦૦ જેટલા લોકોને બહાર કાઢવા અને સહાય કરવા માટે જઈ રહેલા મોટા યંત્રો તે માર્ગનો બ્રિજ તૂટી પડતાં હવે બીજા લાંબા માર્ગે લઈજવા પડે તેમ છે. તેમાંએ વરસાદ પણ ચાલુ રહેતાં ભૂમિ પણ લપસણી બની રહી છે. તેથી બીજા લાંબા માર્ગે પણ જયાં ભારે યંત્રો ખૂબ જાળવીને આગળ વધારવા પડે છે. તેમજ તે યંત્રોની સાથે રહેલા સહાય કર્મીઓએ પણ ખૂબ ધીમે ધીમે જાળવીને ચાલવું પડે છે.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના પ્રાદેશિક પ્રવકતાએ બેંગકોકથી જીનીવામાં ચાલી રહેલી બેઠકને વિડીયો કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી હતી.
તેઓએ કહ્યું કે, તેમાં જે થયું (પૂલ તૂટી પડયો) તેથી મુખ્ય હાઇવે જે ઇટાયી વિરિરિ એંગા (પ્રાંત) તરફ જાય છે, તે બંધ થઈ ગયો છે. તેથી તે માટી, પથ્થરો વગેરે દૂર કરવા માટેનાં ભારે યંત્રો અન્ય લાંબા માર્ગે લઈ જવા પડે છે. તેથી બચાવ કાર્ય અને રાહત કાર્ય વિલંબમાં પડયું છે. તેમાં વરસાદ ચાલુ રહેતા પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે. જમીન લપસણી બની જતાં તે યંત્રો સાથે જઇ રહેલા રાહત કર્મીઓને પણ ધીરે ધીરે સાચવીને જવું પડે છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે, વરસાદને લીધે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે. હજી કેટલોક ભાગ (પર્વતોનો) અસ્થિર છે. પરિસ્થિતિ મુશ્કેલ, અતિ મુશ્કેલ અને ગંભીર બની રહી છે.
ઉલ્લેખનીય છે કે વિષુવવૃત્તીય વિસ્તારમાં રહેલા આ દેશમાં લગભગ બારે માસ વરસાદ ઓછો વત્તો પડતો જ હોય છે. તેથી જંગલો પણ ગાઢ હોય છે. પાપુઆ-ન્યૂગિનિમાં પ્રમુખ મૂળ ભારતવંશીય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાપુઆ-ન્યૂગિનિની મુલાકાત પણ લીધી હતી. આ દુર્ઘટનાના સમાચારો મળતા ભારતે તેને તત્કાળ ૧ મિલિયન ડોલરની સહાય પહોંચાડવી શરૂ કરી દીધી છે. હજી પણ વધુ સહાય મોકલવાનું છે.