બ્રિક્સ સમિટ : પુતિને એકલા પાડી દેવાની પશ્ચિમની ચાલને નિષ્ફળ કરે છે : રીપોર્ટ
- રશિયન અધિકારીઓ તો બ્રિક્સ સમિટને ભવ્ય સફળતા ગણી રહ્યા છે, વિદેશનીતિ સહાયક ઉષાકૉવે કહ્યું : ૩૬ દેશો તેમાં ભાગ લઇ રહ્યા છે
મોસ્કો,કાઝાન : કઝાનમાં મળી રહેલી બ્રિક્સ દેશોની શિખર પરિષદ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન ચીનના પ્રમુખ શી જિનપિંગ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તૂર્કીના એડોગોન અને ઇરાનના મસૂદ પેઝેશ્કીયાન સહિત ઘણા ટોચના નેતાઓને મળવાના છે. આથી, યુક્રેન યુદ્ધ અને તેઓની ઉપર નીકળેલાં ધરપકડ વોરન્ટને લીધે, પુતિનને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અછૂત ગણાવવાની પશ્ચિમની ચાલ નિષ્ફળ રહી છે.
પશ્ચિમ દ્વારા ગોઠવાયેલી વૈશ્વિક વ્યવસ્થા સામે, કાઉન્ટર બેલેન્સ તરીકે બ્રાઝિલ, રશિયા, ઇંડીયા, ચાયના અને સાઉથ આફ્રિકાએ (બીઆરઆઈસીએચ) બ્રિક્સ જૂથની સ્થાપના કરવામાં આવી છે. તેનું મૂળ સ્થાપક ઇંડીયા છે. તે પછી ભારતના જ પ્રયાસોથી આ જૂથમાં ઇરાન, ઇજીપ્ત, ઇથોપિયા, ટુનાઇટેડ આરબ અમીરાત અને સઉદી અરેબિયન, જાન્યુઆરીમાં તે જૂથમાં જોડાયાં. તૂર્કી, આઝાર-બૈજાન, મલયેશિયાએ પણ વિધિવત્ જોડાણ માટે દસ્તાવેજી પત્ર લખ્યો છે. તે ઉપરાંત અન્ય દેશોને વિધિવત પત્રો પાઠવ્યા છે. તેઓએ પણ આ જૂથમાં સભ્ય થવા ઇચ્છા વ્યક્ત કરી છે.
રશિયન અધિકારીઓ તો બ્રિક્સ સમિટને ભવ્ય સફળતા ગણી રહ્યા છે. પુતિનના વિદેશનીતિના સલાહકાર પુરી ઉષાકૉવે કહ્યું હતું કે ૩૬ દેશો આ પરિષદમાં ભાગ લઇ રહ્યા છે તે પૈકી ૨૦ દેશોના તો પ્રમુખો ઉપસ્થિત રહેવાના છે.
આ પરિષદ દરમિયાન પુતિન ૨૦ અગ્રણીઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવાના છે. તે કહેતાં ઉષાકૉવે પત્રકારોને જણાવ્યું હતું કે આ શિખર પરિષદ રશિયાની ભૂમિ ઉપર યોજાયેલી સૌથી વિશાળ વિદેશ નીતિ વિષયક ઘટના બની રહેશે.
આ શિખર પરિષદના ભાગરૂપે ગુરૂવારે પુતિન, સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી, એન્ટોનિયો ગુટેરસને મળવાના છે. તેવો રશિયાએ યુક્રેન સાથે છેડેલાં યુદ્ધના ઉગ્ર ટીકાકાર છે જે સર્વવિદિત છે.