વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આવતીકાલે થશે દ્વિપક્ષીય મુલાકાત, વિદેશ સચિવે કરી પુષ્ટિ
India and China High-level Meetings : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ (BRICS) શિખર સંમેલન હાજરી આપવા માટે રશિયાના કઝાનમાં પહોંચ્યા છે. ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ઉપસ્થિત છે. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ વચ્ચે પાંચ વર્ષ બાદ આ પહેલી ઔપચારિક મુલાકાત હશે. કઝાનમાં મંગળવાર સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આની પુષ્ટિ કરી.
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે આ બેઠક બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન થશે. દ્વિપક્ષીય બેઠકનો સમય આવતીકાલે નક્કી કરાશે.
આ ઘટનાક્રમ પૂર્વ લદાખમાં LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે એક નવી સહમતિ સધાયા બાદ સામે આવ્યો છે. જણાવી દઈએ કે, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કાલે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'પૂર્વ લદાખમાં LAC પર ભારત અને ચીન ડેમચૌક અને દેપસાંદથી પોતાની સેનાઓને પાછળ હટાવવા અને વિસ્તારમાં ફરીથી પૂર્વની જેમ પેટ્રોલિંગ શરૂ કરવા માટે સહમત થયા છે. બંને દેશોની સેનાઓએ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે અને સૈનિકોને પાછળ હટાવવાની પ્રક્રિયા પણ આગામી દિવસોમાં શરૂ થઈ જશે.'
જણાવી દઈએ કે, બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રશિયાના કઝાન શહેર પહોંચ્યા, જ્યાં આજે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ દરમિયાન બંને નેતા એકબીજાના ગળે પણ મળ્યા. રશિયન રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને એ કહ્યું કે, 'તે બંનેના સંબંધો એટલા સારા અને ગાઢ છે કે વડાપ્રધાન મોદી તેમની વાતોને વગર ટ્રાન્સલેટરે પણ સમજી શકે છે.'