બ્રાઝિલઃ બંદૂકધારી વ્યક્તિએ 18 મુસાફરો ભરેલી બસ હાઈજેક કરતા અફરા-તફરી, બે મુસાફરો ઘાયલ
Image:Twitter
રિયો ડી જાનેરો,તા.13.માર્ચ.2024
દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં એક બંદૂકધારીએ બસ હાઈજેક કરી લીધા બાદ સનસનાટી મચી ગઈ હતી.બસમાં બેઠેલા બે મુસાફરો ફાયરિંગમાં ઘાયલ પણ થયા હતા.
મળતી વિગતો પ્રમાણે મંગળવારે શહેરના મુખ્ય એસટી બસ ડેપો પર એક બંદૂકધારી વ્યક્તિ ગન સાથે બસમાં ઘૂસી ગયો હતો.તેણે બસમાં સવાર 18 લોકોને બંદૂકની અણીએ બંધક બનાવી લીધા હતા.આ ઘટનાની જાણ થતા જ શહેરમાં અફરા તફરી મચી ગઈ હતી.પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી.કલાકોની મથામણ અને વાટાઘાટો બાદ હુમલાખોરે આત્મસમર્પણ કરી દીધુ હતુ.પોલીસે તેની ધરપકડ કરી હતી અને તમામ બંધકોને છોડાવી લીધા હતા.
પોલીસનુ કહેવુ છે કે, સરેન્ડર કરતા પહેલા આ વ્યક્તિએ બે વ્યક્તિઓને ગોળી મારીને ઘાયલ પણ કર્યા હતા.બસમાં વૃધ્ધો અને બાળકો પણ મુસાફરી કરી રહ્યા હતા.તમામને સહીસલામત છોડાવી લેવાયા છે.
પોલીસે હાઈજેકરની ઓળખ જાહેર નથી કરી અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.આ વ્યક્તિએ બસ હાઈજેક કરવાનો પ્રયત્ન કેમ કર્યો તેની તપાસ પણ ચાલી રહી છે.