હવે વિચારથી ચાલશે કોમ્પ્યુટર-મોબાઈલ!, Elon Muskની કંપનીએ માનવ મસ્તિષ્કમાં લગાવી બ્રેઈન ચિપ
પરિણામો આવવામાં લગભગ 6 વર્ષનો સમય લાગશે
Image: File Photo |
Human Brain Chip Implantation : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)ના માલિક ઈલોન મસ્કની બ્રેઈન ચિપ કંપની ન્યુરાલિંક માનવ મસ્તિષ્કમાં ચિપ લગાવવામાં સફળ થઇ છે. ઈલોન મસ્કે પોતે આ હ્યુમન ટ્રાયલ સફળ થવાની જાહેરાત કરી હતી. મસ્કે કહ્યું, “ઇમ્પ્લાન્ટેશન સફળ રહ્યું છે અને જેમના મસ્તિષ્કમાં ચિપ લગાવવામાં આવી હતી તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. હવે કંપની પરિણામની રાહ જોઈ રહી છે.”
પરિણામો આવવામાં લગભગ 6 વર્ષનો સમય લાગશે
ઈલોન મસ્કે એક્સ (X) પર પોસ્ટમાં લખ્યું, “મે 2023 ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) પાસેથી મંજૂરી મેળવ્યા પછી, ન્યુરાલિંકે ગઈકાલે માનવ મસ્તિષ્કમાં માઇક્રો ચિપ ઇમ્પ્લાન્ટ કર્યું. જો કે તેના પરિણામો આવવામાં લગભગ 6 વર્ષનો સમય લાગશે. આ દરમિયાન જે વ્યક્તિના મસ્તિષ્કમાં ચિપ લગાવવામાં આવી છે તે કંપનીના તબીબી નિષ્ણાતની દેખરેખ હેઠળ રહેશે. તેનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે.”
ચિપ દ્વારા માનવ મસ્તિષ્ક કોમ્પ્યુટર અને મોબાઈલને ઓપરેટ કરશે
મસ્કે કહ્યું, “જો પરિણામ અપેક્ષા મુજબ રહેશે તો આ ચિપ દ્વારા માનવ મસ્તિષ્ક કોમ્પ્યુટર અને મોબાઈલને ઓપરેટ કરશે. અંધ લોકો જોઈ શકશે. માનવ મસ્તિષ્ક તે તમામ કામ કરી શકશે, જે હાથ અને પગ દ્વારા કરવામાં આવે છે. મસ્તિષ્ક સમગ્ર શરીરને નિયંત્રિત કરી શકશે. મસ્કે વધુમાં જણાવ્યું કે, “માનવ મસ્તિષ્કમાં સર્જિકલ રીતે ચિપ લગાવવામાં આવી હતી. ચિપ તે જગ્યાએ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે જ્યાંથી મસ્તિષ્ક હલન-ચલનને નિયંત્રિત કરે છે. આ સર્જરી રોબોટની મદદથી કરવામાં આવી હતી. ચિપને એક યુઝર એપથી નિયંત્રિત કરવામાં આવશે.
સિક્કાના કદ જેટલું છે ઉપકરણ
ઈલોન મસ્કે વધુમાં જણાવ્યું કે, “ન્યુરાલિંકે સિક્કાના કદ જેટલું ઉપકરણ બનાવ્યું છે, જે કોમ્પ્યુટર, મોબાઈલ અથવા મસ્તિષ્કની ગતિવિધિઓને નિયંત્રિત કરી શકે છે. માનવ મસ્તિષ્કમાં ઇમ્પ્લાન્ટ કરાયેલા આ ઉપકરણથી, લકવાગ્રસ્ત વ્યક્તિ પણ કોમ્પ્યુટર અને ફોનનો ઉપયોગ કરી શકશે. આ ઉપકરણ એક પ્રકારનો થ્રેડ છે, જે એટલો ઝીણો છે કે તેને હાથથી પકડી શકાતો નથી, તેથી તેને માનવ મસ્તિષ્કમાં ઇમ્પ્લાન્ટ કરવા માટે, રોબોટની મદદ લેવામાં આવી હતી."