Get The App

ભારતીય ટુરિસ્ટોનો ધસારો વધતા શ્રીલંકાએ ચાર વર્ષ બાદ માલદીવને પછાડયુ

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
ભારતીય ટુરિસ્ટોનો ધસારો વધતા શ્રીલંકાએ ચાર વર્ષ બાદ માલદીવને પછાડયુ 1 - image

image : Twitter

કોલંબો,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર

ભારત સાથે ઘર્ષણમાં ઉતરવાનુ માલદીવને ભારે પડી રહ્યુ છે. જેનો ફાયદો હવે શ્રીલંકાને મળી રહ્યો છે. 

ભારતીય પર્યટકો માલદીવ છોડીને શ્રીલંકા જઈ રહ્યા છે અને તેના કારણે ચાર વર્ષ બાદ શ્રીલંકાએ  પર્યટકોને આકર્ષવાના મામલામાં માલદીવને પાછળ મુકી દીધુ છે. શ્રીલંકામાં આવનારા વિદેશીઓમાં હવે ભારતીયો નંબર વન પર પહોંચ્યા છે ત્યારે માલદીવમાં જનારા વિદેશી પર્યટકોમાં ભારતીયો હવે પાંચમા સ્થાન પર છે. 

માલદીવ મીડિયાના રિપોર્ટ પ્રમાણે ગયા મહિનાના આંકડા દર્શાવે છે કે, માલદીવમાં જાન્યુઆરીમાં 1.92 લાખ પર્યટકો પહોંચ્યા હતા ત્યારે શ્રીલંકાના ટુરિઝમના આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં શ્રીલંકાની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા 2.08 લાખ રહી હતી. શ્રીલંકા જઈ રહેલા ભારતીયોની સંખ્યામાં 100 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષના જાન્યુઆરીમાં 13759 તો આ જાન્યુઆરીમાં 34399 ભારતીય પર્યટકો શ્રીલંકા ફરવા માટે ગયા છે. 

જયારે માલદીવ જનારા ભારતીય પર્યટકોની સંખ્યા 15006 રહી છે. શ્રીલંકામાં જનારા વિદેશીઓમાં ભારતીયો નંબર વન પર પહોંચ્યા છે. જાન્યુઆરી મહિનામાં ભારતમાંથી 34,399, રશિયાના 31,159, બ્રિટનના 16,665, જર્મનીથી 13,593, ચીનના 11,511 પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી છે. 

જ્યારે માલદીવમાં વિદેશી પર્યટકોની સંખ્યાની રીતે રશિયા નંબર એક પર છે અને ચીન બીજા નંબરે છે. 

માલદીવ સાથેના વિવાદ બાદ ભારતીય પર્યટકો શ્રીલંકા તરફ નજર કરી રહ્યા હોવાથી શ્રીલંકાની ઈકોનોમીમાં પણ તેજી જોવા મળશે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ ભારતીયોને શ્રીલંકાની મુલાકાત લેવા માટે અપીલ કરી ચુકયા છે. 


Google NewsGoogle News