'યુદ્ધ વિરામ'ની નજીક જઈ રહ્યા છીએ તેમ ઈઝરાયેલ અને લેબેનોન બંને કહે છે
- અમેરિકાએ સૂચવેલા 60 દિવસનાં યુદ્ધ વિરામ આડે કોઈ ગંભીર અવરોધો રહ્યા નથી : લેબેનોન સંસદના ઉપાધ્યક્ષ ઇલ્યાસ બાઉસાલી
બૈરૂત : લેબેનોનની સંસદના ઉપાધ્યક્ષ ઈલ્યાસ બાઉસાબે સોમવારે (આજે) પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમેરિકાએ સૂચવેલા ૬૦ દિવસના યુદ્ધ વિરામ આડે કોઈ ગંભીર અવરોધો રહ્યા નથી.'
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા ઈઝરાયલ- હિઝબુલ્લાહ યુદ્ધમાં છેલ્લા બે મહિનાથી તો અત્યંત તીવ્રતા આવી ગઈ છે. તે સંયોગોમાં અમેરિકાએ ૬૦ દિવસના યુદ્ધ વિરામની દરખાસ્ત મુકી છે. તે સ્વીકારવા ઈઝરાયલ અને લેબેનોન બંને તૈયાર થયા છે એવું લાગે છે કે, ગાઝામાં ઈઝરાયલ- હમાસ યુદ્ધ શરૂ થયું તે સાથે જ શરૂ થયેલા ઈઝરાયલ-લેબેનોન હિઝબુલ્લાહ યુદ્ધમાં બંને પક્ષો થાક્યા છે. તેથી બંને યુદ્ધ વિરામ સ્વીકારવા તૈયાર થાય તે સહજ પણ છે.
લેબેનોન સંસદના ઉપાધ્યક્ષ બાઉસાબે પત્રકારોને કહ્યું હતું કે, આ ૬૦ દિવસની સમય રેખા તો બરોબર છે. તેથી ઈઝરાયલ સેનાને પાછા ફરવા માટે તથા લેબનીઝ સેનાને તે સ્થાને ગોઠવવા માટે પૂરતો સમય મળી રહેશે, પરંતુ પ્રશ્ન તે છે કે, આ બંને કાર્યવાહી ઉપર ૨૪ કલાક દેખરેખ કોણ રાખશે ?
આ માટે ઉકેલ સુચવતા અમેરિકાએ જણાવ્યું હતું કે, અમેરિકાના નેતૃત્વ નીચે રચાનારી પાંચ સભ્યોની સમિતિ, સેનાઓની ફેરબદલી અંગે દેખરેખ રાખે. તેમાં ફ્રાંસને સમાવિષ્ટ કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે પ્રથમ વિશ્વ યુદ્ધમાં તૂર્કી પરાજિત થયા પછી તેના તાબામાં રહેલુ ઈઝરાયલ બ્રિટિશ મેન્ડેટ નીચે અને લેબેનોન ફ્રેન્ચ મેન્ડેટ નીચે મુકાયું હતું, તેથી ફ્રાંસની ત્યાં હજી થોડી વગ છે.