પાક.માં આત્મઘાતી બોમ્બરનો ચેક પોસ્ટ પર હુમલો : 12નાં મોત
- ચીન CPEC સમેટી લેવા વિચારે છે
- પાકિસ્તાનનાં અફઘાનિસ્તાન સાથેના સરહદ પ્રાંત તથા બલુચીસ્તાનમાં હવે, સરકાર જેવું જ કશું રહ્યું નથી, ચીન પણ ફસાઈ ગયું છે
નવી દિલ્હી : પાકિસ્તાને પોતે જ ઉભા કરેલા ત્રાસવાદીઓ હવે તેની જ સામે પડી રહ્યા છે.પૂર્વે સરહદ પ્રાંત કહેવાતા ખૈબર પસ્તુનવા પ્રાંત સ્થિત એક સરકારી ચેક પોસ્ટ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૧૨નાં મોત થયાં હતાં. તેમ પાકિસ્તાનનાં સૈન્યએ આજે (બુધવારે) જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે મોડી રાતે બન્નુ જિલ્લાનાં મલિખેલ ગામ પાસેનાં એક ચેક પોસ્ટ ઉપર ત્રાસવાદીઓએ હુમલો કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું.
આ આત્મઘાતી હુમલામાં થયેલા વિસ્ફોટને લીધે તે ચેક પોસ્ટ ફરતી દિવાલનો એક ભાગ પણ તૂટી પડયો હતો તેટલો પ્રચંડ વિસ્ફોટ હતો. આ પછી બાકી રહેતા ફ્રન્ટીયર કોન્સ્ટેબલરીના પોલીસો અને અન્ય ત્રાસવાદીઓ વચ્ચે સામ સામા ગોળીબારો થયા હતા. પંરતુ તેમાં મૃત્યુઆંક જાણી શકાયો નથી.
તે સર્વવિદિત છે કે ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઈસી)નો માર્ગ ઉત્તર પાકિસ્તાનથી છેક બલુચીસ્તાનનાં ગ્વાડર સુધી જાય છે. આ માર્ગ ઉપર પસાર થતી ચીની ઇજનેરો માટે લઇ જતી વાનો ઉપર વારંવાર હુમલા થાય છે. બલુચ લિબરેશન આર્મી (બી.એલ.એ.)ના આતંકીઓ ગ્વાડર અને આસપાસના પ્રદેશોમાં ધારે ત્યારે હુમલા કરી મોટે ભાગે ચીનીઓને જ મારે છે. તેથી ચીન હવે ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર જ સમેટી લેવા વિચારે છે. વાસ્તવમાં સરહદ પર કે બલુચીસ્તાનમાં સરકાર જેવું કશું રહ્યું નથી.