સીરીયામાં અમેરિકી સેનાની છાવણીઓ પર ઈરાકમાંથી ધનાધન હુમલા શરૂ થયા
- ઈઝરાયેલ-હમાસ-જોર્ડન-સીરીયા-ઈરાન અને હવે ઈરાક યુદ્ધમાં
- ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ સુદાની બાયડેનને મળવા ગયા હતા, તેના વળતા દિવસે જ ઈરાકે હુમલા કર્યા
નવી દિલ્હી : ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ-શિયા-અલ-સુદાની અમેરિકાના પ્રમુખ જો બાયડેનને મળવા ગયા હતા. તેઓ અમેરિકાથી પાછા ફર્યા તેના વળતા દિવસે જ ઈરાકે સીરીયાનાં ઉત્તર-પૂર્વે આવેલી અમેરિકાના સૈનિકોની છાવણી ઉપર ઉપરા-ઉપરી પાંચ રોકેટ્સ છોડયા હતાં.
પ્રાપ્ય માહિતી અનુસાર ઈરાકની સીરીયા સાથેની સરહદ સુધી પહોંચી ઈરાકીઓએ એક પછી એક પાંચ રોકેટ્સ અમેરિકાના સૈનિકોની છાવણી ઉપર છોડી આતંકીઓ અન્ય વાહનમાં રવાના થઈ ગયા હતા. તેટલું જ નહીં પરંતુ, તે આતંકીઓએ તેવું પણ જણાવ્યું કે અમે હુમલા કરતા જ રહીશું.
સીરીયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટસના અધિકારી રમી અબ્દેલ રહેમાને કહ્યું હતું કે, ઈરાકની સરહદ તરફથી સીરીયામાં અમેરિકી સૈન્ય બેઝ પર કેટલાંએ રોકેટ્સ છોડવામાં આવ્યાં હતાં.
ઈરાકી આતંકીઓએ આ રોકેટ્સ ઈરાકના જુજમર શહેર પાસેથી છોડવામાં આવ્યાં હતાં. તે અંગે ઈરાકી અધિકારીએ કહ્યું હતું કે હવે તે વિસ્તારમાં વધુ દળો તૈનાત કરવામાં આવ્યાં છે, અને તે આતંકીઓની શોધ ચાલે છે કે જેમણે આ રોકેટ્સ છોડયા હતાં અને અન્ય વાહનનો ઉપયોગ કરી નાસી ગયા હતા.
આ ઘટના અંગે નિરીક્ષકોનું કહેવું છે કે, સદ્દામ હુસૈનના સમયથી જ ઈરાક-અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલી જ રહ્યો છે. માત્ર વચમાં વચમાં થોડો 'વિરામ' દેખાય છે. પરંતુ ઈરાક અમેરિકા સાથે કોઈ સમજૂતી કરે તેવી પરિસ્થિતિ જ ત્યાંના આતંકીઓ સહી શકે તેમ નથી. વળી હમાસ જૂથ છેવટે તો આરબોનું જૂથ છે. ઈરાક સીટીમાં જોર્ડન તો આરબ દેશો જ છે તેના આતંકીઓ સીરીયામાં કે કોઈ પણ આરબ દેશમાં અમેરિકાની છાવણી સહી શકે તેમ જ નથી.
ટૂંકમાં હવે ઈઝરાયલ-હમાસ યુદ્ધ જોર્ડન સીરીયા અને ઈરાક સુધી વિસ્તરી ગયું છે. મધ્યપૂર્વની પૂર્વે ઈરાન તો યુદ્ધમાં જોડાઈ જ ગયું છે. તેલના ભંડાર સમાન પશ્ચિમ એશિયા અને મધ્યપૂર્વમાં યુદ્ધની જવાળા ફેલાતી જાય છે.