પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા વિસ્ફોટો, હિંસા બોંબ બ્લાસ્ટથી બલુચિસ્તાન ખળભળ્યું
- 8 મી ફેબ્રુ.ની ચૂંટણીમાં મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝનો પુત્ર ઉભો છે
- 8 ફેબ્રુઆરીએ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે, તેમ તેમ રમખાણો, હિંસા, ગોળીબાર અને વિસ્ફોટ વધતા જાય છે
ક્વેટા : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ ત્યાં હિંસા અને વિસ્ફોટોની ઘટનાઓ વધતી જાય છે. છેલ્લા થોડાક દિવસોથી આવી હિંસક ઘટનાઓના સમાચારો મળતા જ રહે છે. રવિવારે બલુચિસ્તાનના મુશ્કી જિલ્લામાં પાકિસ્તાન ચૂંટણી પંચ (ઇલેકશન કમિશન ઓફ પાકિસ્તાન - ઇસીપી) ની ઓફિસની બહાર બોંબ વિસ્ફોટ થયો હતો.
આ માહિતી આપતાં એઆરવાય ન્યૂઝ જણાવે છે કે આ વિસ્ફોટમાં કેટલાના મૃત્યુ થયા હતા તેની વિગતો મળી શકી નથી. તેમજ કેટલા ઘાયલ થયા હતા તેની વિગતો મળી શકી નથી. પોલીસ કાર્યલયના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ અંગે તપાસ શરૂ થઈ ગઈ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. અપરાધીઓની ધરપકડ કરવા પોલીસ ટુકડીઓ રચાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કરાચીમાં પણ ચૂંટણી પંચની ઓફિસની બહાર બોંબ વિસ્ફોટ થયા હતા.
આ અંગે કરાચીના એએસપીએ જણાવ્યું હતું કે, તે વિસ્ફોટમાં વર્તમાનપત્રોએ જણાવ્યા પ્રમાણે બોલ-બેરિંગ્ઝના બોલ (છરા) ન હતા, નહીં તો ભારે થાત. તે સમયે ત્યાં રહેતા નાગરિકોને વાગત આમ છતાં શુક્રવારે થયેલા તે ધડાકામાં છ લોકો ઘાયલ થયા હતા.
તેવામાં બલુચિસ્તાનનાં જુદા જુદા શહેરોમાં શુક્રવારે થયેલા ગ્રેનેડ હુમલામાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (શાસક પક્ષ)ના કાર્યકર્તાઓનો તે છમાં સમાવેશ થાય છે.
ટૂંકમાં બલુચિસ્તાન અને કરાચીમાં ચૂંટણી પૂર્વે થયેલા આ વિસ્ફોટોએ માહૌલ ખરાબ કરી નાખ્યો છે. તેવામાં સમાચાર આવ્યા છે કે પાકિસ્તાનના ડ્રોન વિમાનો એ જમ્મુ-કાશ્મીરમાં હુમલા શરૂ કરી દીધા છે.
બલુચિસ્તાનમાં અને કરાચીમાં થયેલા આ હુમલાઓમાં વિસ્ફોટો અને રાજકીય પક્ષોની ઓફિસોને નિશાન બનાવવામાં આવ્યા છે.
પાકિસ્તાનનાં અગ્રીમ વર્તમાનપત્ર ડોનના અને તેની સમાચાર એજન્સીનાં જણાવ્યા પ્રમાણે કલાત શહેરના મુગલ સરાઈ વિસ્તારમાં પીપીપીના કાર્યકરો ઉપર મોટર સાઇકલ પર આવેલા અજ્ઞાાત હુમલાખોરોએ પાર્ટીના ચૂંટણી કાર્યાલયને નિશાન બનાવ્યું હતું અને ઇમારતની નજીક એક ગ્રેનેડ વિસ્ફોટ કર્યો હતો. બલુચિસ્તાનના જુદા જુદા વિસ્તારોમાં હાથ બોંબ, હુમલામાં પીપીપીના કાર્યકર્તાઓ સહિત કુલ છ વ્યકિતઓ ઘાયલ થઈ હતી.
તે સર્વવિદિત છે કે પાકિસ્તાનના ચારે પ્રાંતોમાં ૮ ફેબ્રુઆરીએ સમવાયતંત્રી સંસદની ચૂંટણી થવાની છે. તેમાં મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદના પુત્ર સહિત કેટલાએ આતંકીઓ મેદાનમાં છે.
આ ઉપરાંત ઉત્તરના ખૈબર પુખ્તુનવાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના ંચૌધવાન નગરનાં પોલીસ સ્ટેશન ઉપર આજે સોમવારે વહેલી સવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૦ પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા અને છને ઇજાઓ થઇ હતી.
ખૈબર-પખ્તુનવાના પોલીસ વડા અખ્તર હયાતે પત્રકારોને આ માહિતી આપતાં જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે ૩ વાગે થયેલા હુમલામાં આતંકીઓએ પહેલા પોલીસ કોન્સ્ટેબલ્સ જેઓ સુરક્ષા માટે ઉભા હતા તેમને સ્નાઇવર શૂટીંગ દ્વારા ઠાર મારી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. ૩૦થી વધુ આતંકીઓએ ત્રણ તરફથી હુમલો શરૂ કરી દીધો હતો. તે પછી પોલીસ મથકમાં ઘૂસી ગયા હતા અને હેન્ડ ગ્રેનેડઝ ફોડી અનેકને ઘાયલ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ગોળીબારો, બોંબ-વિસ્ફોટો અને આગજનીના પણ બનાવો વધતા જાય છે.