ભારત-બાંગ્લાદેશના સંબંધો મજબૂત પણ...', બીએનપી નેતાએ બંને દેશોને લઈને આપ્યું મોટુ નિવેદન

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
ભારત-બાંગ્લાદેશના સંબંધો મજબૂત પણ...', બીએનપી નેતાએ બંને દેશોને લઈને આપ્યું મોટુ નિવેદન 1 - image


Image Source: Twitter

Mirza Islam Alamgir On India-Bangladesh Relation: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન અને શોખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા બાદ બંને દેશોના સબંધોના ભવિષ્ય અંગે અટકળોનું બજાર ગરમ છે. હવે બાંગ્લાદેશની પ્રમુખ પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના નેતાએ બંને દેશોના સબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બંને દેશોના સબંધો મજબૂત થશે. પરંતુ તેમણે કેટલાક મુદ્દા પણ ગણાવ્યા છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. 

ભારત સાથેના સબંધ પર બીએનપી નેતા શું બોલ્યા

બીએનપીના મહાસચિવ મિર્ઝા ઈસ્લામ આલમગીરે એક ઈન્ટરવ્યૂમાં ભારત સાથેના સબંધના સવાલ પર કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો જરૂર મજબૂત થશે કારણ કે, અમે (બીએનપી) રાજનીતિક પાર્ટી તરીકે ભારતને પોતાનો મિત્ર અને પાડોસી માનીએ છીએ. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે, બંને દેશો વચ્ચે કેટલાક મુદ્દાને ઉકેલ લાવવો જરૂરી છે જેમાં પાણી વહેંચણીનો મુદ્દો, સરહદ પર BSF દ્વારા બાંગ્લાદેશી લોકોની હત્યા, બંને દેશો વચ્ચે વેપાર અસંતુલનને દૂર કરવા જેવા મુદ્દા સામેલ છે. અમે ભારતથી સાથે સબંધો ઈચ્છીએ છીએ.

ખાલિદા ઝિયાની તબિયત ખરાબ, તારિક રહમાન કરશે નેતૃત્વ

મિર્ઝા ઈસ્લામ આલમગીરે બીએનપી નેતૃત્વ અંગે કહ્યું કે, ખાલિદા ઝિયા બીમાર છે. તેઓ પાર્ટીના અધ્યક્ષ છે અને બાંગ્લાદેશના સૌથી લોકપ્રિય નેતા છે પરંતુ તેઓ બીમાર છે અને હાલમાં તેમને સારવારની જરૂર છે. જો ડોક્ટર મંજૂરી આપશે તો તેઓ સારવાર માટે વિદેશ જશે. જો તેઓ પરત ફરશે તો ચોક્કસ તેઓ આગામી ચૂંટણીમાં બીએનપીનો ચહેરો હશે પરંતુ જો પરત નહીં આવશે અને ચૂંટણી લડવા માટે ફીટ નહીં હોય તો કાર્યકારી અધ્યક્ષ તારિક રહમાન તેમનું સ્થાન લેશે. 

વચગાળાની સરકાર સ્વતંત્ર ચૂંટણી કરાવશે

બીએનપી નેતા આલમગીરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાની પાર્ટી અને લોકોને છોડીને દેશમાંથી ભાગી ગયા છે. તેમણે લોકોની સાથે રહેવાની જરૂર હતી પરંતુ તેમણે દેશ છોડી દીધો. અમને મળેલી માહિતી પ્રમાણે તેઓ હાલમાં દિલ્હીમાં છે. એક વિદ્યાર્થી અને નાગરિક વિદ્રોહ થયો આ એક ક્રાંતિ હતી અને આ પહેલા શેખ હસીનાની પોલીસે લગભગ 1,000 વિદ્યાર્થીઓની હત્યા કરી નાખી અને લગભગ 12,000 લોકોની ધરપકડ કરી હતી. લાખો લોકો રસ્તા પર હતા અને તેઓ વડાપ્રધાનના નિવાસ તરફ આગળ વધી રહ્યા હતા અને તેઓ પછી પોતાના હેલિકોપ્ટરથી દેશ છોડીને ભાગી ગયા. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ દેશમાં વચગાળાની સરકાર બની જેનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર યૂનુસ કરી રહ્યા છે. વચગાળાની સરકાર ચોક્કસપણે પરિસ્થિતિને સ્થિર કરશે અને શાંતિ અને વ્યવસ્થા લાવશે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી થશે. વચગાળાની સરકારનું મુખ્ય કાર્ય એક સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે.

અમારા બંધારણમાં એવી જોગવાઈ છે કે, વચગાળાની સરકારને 90 દિવસનો સમય મળવો જોઈએ પરંતુ ખાસ સંજોગોમાં આ સમય મર્યાદા લંબાવી શકાય છે. અમે હંમેશા કહ્યું છે કે, અમે 2030નું વિઝન આપ્યું છે. દેશમાં ચોક્કસપણે સુધારો થશે. તેના માટે મુખ્યત્વે ન્યાયિક સુધારા, બંધારણીય સુધારા અને વહીવટી સુધારા કરવામાં આવશે. અમે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો પ્રયાસ કરીશું, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે લોકશાહી અને લોકતાંત્રિક મૂલ્યોને યોગ્ય અને શુદ્ધ રીતે પુનઃસ્થાપિત કરીશું. અભિવ્યક્તિની સ્વતંત્રતા હશે અને લોકો કોઈપણ રાજકીય પક્ષ અથવા રાજકીય રેલીઓમાં જોડાવા માટે સ્વતંત્ર હશે અને તેમના લોકશાહી અધિકારો સ્થાપિત થશે. અમે ઉદાર લોકતાંત્રિક બાંગ્લાદેશ અને સમૃદ્ધ બાંગ્લાદેશ જોવા માંગીએ છીએ. અમને વિશ્વાસ છે કે, અમે તે કરી શકીશું. કમનસીબે પૂર્વ વડા પ્રધાનની સરકારે સમગ્ર ન્યાયતંત્રનું રાજનીતિકરણ કર્યું અને લોકોએ તેમની સામે ખૂબ ગુસ્સો દર્શાવ્યો. લોકોમાં, વકીલોમાં, સિવિલ સોસાયટીમાં અને વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. તેથી ચીફ જસ્ટિશ અને અન્ય ન્યાયાધીશોએ રાજીનામું આપવું પડ્યું.


Google NewsGoogle News