પાકિસ્તાનમાં જમીન માટે બે સમુદાયો વચ્ચે ભીષણ અથડામણ, 35નાં મોત, મોર્ટાર-રોકેટ શેલ ઝીંકાયા

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં જમીન માટે બે સમુદાયો વચ્ચે ભીષણ અથડામણ, 35નાં મોત, મોર્ટાર-રોકેટ શેલ ઝીંકાયા 1 - image


Pakistan Shia Sunni Fight News | પાકિસ્તાનમાં શિયા અને સુન્ની આદિવાસીઓ વચ્ચે જમીનને લઇને લોહિયાળ જંગ ખેલાયો હતો, જેમાં અત્યાર સુધીમાં 35 લોકો માર્યા ગયા છે જ્યારે 150થી વધુ લોકો ઘવાયા છે. અફઘાનિસ્તાન સરહદે આવેલા પાક.ના ખૈબર પ્રાંતમાં બન્ને જુથો વચ્ચે હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હતા. હુમલાખોરોએ રોકેટ લોન્ચરથી લઇને માર્ટાર અને રોકેટ શેલ પણ છોડયા હતા.

ખૈબરના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી બન્ને જુથ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું, અહીંયા એક જમીનના વિવાદને લઇને સામસામે હિંસા ફાટી નીકળી હતી અને હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હતા. સુન્ની મુસ્લિમ મદગી અને શિયા માલી ખેલ આદિવાસીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી, વર્ષો જુના જમીનના વિવાદને લઇને આ બેઠક મળી હતી. બન્ને વચ્ચે મધ્યસ્થી કરાવી રહેલા એક કાઉન્સિલ પર એક શખ્સે ગોળીબાર કર્યો હતો ત્યારથી બન્ને વચ્ચે હિંસા ફાટી નીકળી છે. 

એક પોલીસ અધિકારી મુર્તઝા હુસૈને કહ્યું હતું કે હાલ આ એક સ્થળેથી શરૂ થયેલો વિવાદ આસપાસના તમામ વિસ્તારોમાં ફેલાઇ ચુક્યો છે અને સ્થિતિ તંગદીલ છે. હાલમાં આ હિંસા પીવાર, તાંગી, બિલિશખેલ, ખાર, મકબલ, સહિતના અનેક વિસ્તારો સુધી પહોંચી ગઇ છે. ગત રાત્રીએ એક સાથે ચાર મોટા હુમલા થયા હતા. જેમાં સૌથી મોટી જાનહાની સામે આવી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો અને પોલીસના જવાનોને તૈનાત કરાયા છે. પાકિસ્તાન સુન્ની બહુમત દેશ છે કે જ્યાં શિયાઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.



Google NewsGoogle News