શ્રીલંકામાં અંધારપટ : 7 કલાક બાદ મોડી રાત્રે વીજપુરવઠો શરૂ
- મુખ્ય લાઈન તૂટતા વીજસંકટ સર્જાયું
કોલંબો : શ્રીલંકામાં ફરી એક વખત વીજસંકટ ઘેરાયું છે. શનિવારે રાતે આખા દેશમાં અંધારપટ છવાઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ સિસ્ટમ ફેઈલ થઈ જવાના કારણે દેશભરમાં વીજળી જતી રહી હતી. શ્રીલંકામાં વીજપુરવઠાનું સંચાલન કરતી સીલોન ઈલેક્ટ્રિસિટી બોર્ડ (સીઈબી)ના પ્રવક્તા નોએલ પ્રિયંતાએ કહ્યું કે, વીજપુરવઠા માટેની કોટમાલે-બિયાગામા ટ્રાન્સમિશન લાઈન તૂટી જવાના કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. વહેલી તકે વીજપુરવઠો શરૂ કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. સ્થાનિક મીડિયા મુજબ થોડાક કલાકમાં કેટલાક વિસ્તારમાં વીજપુરવઠો ફરી શરૂ કરાયો છે. સીઈબીના અધિકારીઓએ ખાતરી આપી હતી કે અઢી કલાકમાં બધા જ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો ફરી શરૂ કરી દેવાશે. દેશમાં બ્લેકઆઉટ અંગે વધુ કોઈ વિગતો અપાઈ નથી. વર્ષ ૨૦૨૨માં શ્રીલંકા દાયકાઓના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરતું હતું ત્યારે સ્થાનિક લોકોએ ૧૦ કલાક સુધી વીજકાપનો સામનો કરવો પડતો હતો, જેના કારણે બજારો અસ્ત-વ્યસ્ત થઈ ગયા હતા.