બિટ કોઇનના ભાવમાં વર્ષનો સૌથી મોટો ઉછાળો, મે ૨૦૨૨ પછી ૨.૮૭ ટકા વધારો
બિટકોઇનની કિંમતમાં વધતા ડિજીટલ કરન્સી જગતમાં હલચલ
ક્રિપ્ટો કરન્સીની રેલીમાં ડૉગ કોઇનસ અને પોલકાડૉટને પણ ફાયદો
ન્યૂયોર્ક,૧ ડિસેમ્બર,૨૦૨૩,શુક્રવાર
ડિજિટલ કરન્સીમાં જેની સૌથી વધુ ચર્ચા થાય છે તે બિટ કોઇનના ભાવ ઘણા સમય પછી ૨.૮૭ ટકા વધ્યા છે. આજે શુક્રવારે ક્રિપ્ટો કરન્સીમાં ૨.૮૭ ટકાના ઉછાળા સાથે ૩૮૮૩૪ ડોલરની ઉચ્ચા સ્તર પર પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મે ૨૦૨૨ પછી બિટકોઇનના મૂલ્યમાં આ વૃધ્ધિ દર સૌથી વધારે છે. બિટકોઇનની કિંમતમાં વધારો થવાની સાથે જ ડિજીટલ કરન્સી જગતમાં હલચલ પેદા થઇ છે.
માર્કેટ કેપની ગણતરીએ બીજુ સૌથી મોટું ટોકન એથેરિયમ છે જે પણ સારુ પ્રદર્શન કરી રહયું છે. ૧ ડિસેમ્બરે ૨૦૦૦ના બેચમાર્કથી આગળ વધીને ૨૦૯૦.૪ ડોલરે પહોંચી હતી. જો કે ડિજીટલ કરન્સીમાં ભાવ વધારાની રેલી ક્રિપ્ટો કરન્સી બજારમાં જોવા મળી હતી. જેમાં ડૉગ કોઇનસ અને પોલકાડૉટ પણ બાકાત રહી નથી. ક્રિપ્ટો કરન્સીમાં ભાવ વધારાની રેલીથી રોકાણકારોના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. એક માહિતી મુજબ સંસ્થાગત રોકાણકારોએ ક્રિપ્ટોકરન્સીમાં રસ દર્શાવતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.