અબજપતિ સ્પેસ વોકર રેકોર્ડ બ્રેકિંગ મિશન પછી પૃથ્વી પર પાછા ફર્યા

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
અબજપતિ સ્પેસ વોકર રેકોર્ડ બ્રેકિંગ મિશન પછી પૃથ્વી પર પાછા ફર્યા 1 - image


- પ્રથમવાર સ્પેસસુટની ચકાસણી કરવામાં આવી

- બે કલાકથી ઓછો સમય ચાલેલી સ્પેસવોક ભાવિ મિશનો માટે મહત્વની હોવાનો સ્પેસએક્સનો દાવો

કેપ કેનેવેરલ, ફલોરિડા: ઐતિહાસીક પાંચ દિવસના અંતરીક્ષ પ્રવાસ પછી પૃથ્વી પર સફળ વાપસી સાથે અબજપતિની આગેવાની હેઠળનું મિશન પૂર્ણ થયું હતું. ટેક ઉદ્યોગસાહસીક જેર્ડ ઈસાકમેન તેમજ તેમની સાથે સ્પેસએક્સના બે અન્જિનીયર અને એરફોર્સનો ભૂતપૂર્વ પાયલટ ફ્લોરિડાના ડ્રાય ટોર્ટુગાસ નજીક મેક્સિકન ગલ્ફમાં સ્પેસએક્સની કેપ્સ્યુલમાં ઉતર્યા. આ મિશને આંતરરાષ્ટ્રીય સ્પેસ મિશન (આઈએસએસ) અને હબલ સ્પેસ ટેલીસ્કોપથી વધુ ઊંચે, પૃથ્વીથી ૮૭૫ માઈલની ઊંચાઈએ ક્રૂને લઈ જઈને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

અંતરીક્ષમાં સ્પેસવોક કરનારા જેર્ડ ઈસાકમેન ૨૬૪માં વ્યક્તિ બન્યા હતા જ્યારે સ્પેસએક્સના સારાહ જિલિસ ૨૬૫માં વ્યક્તિ બની હતી. નોંધનીય છે કે આ પ્રથમ સ્પેસવોક હતો જેમાં ઈસાકમેન અને જિલિસે ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળીને ટૂંક સમય માટે સ્પેસએક્સના નવા સ્પેસસુટની ચકાસણી કરી હતી.

બે કલાકથી ઓછો સમય માટેનો આ સ્પેસવોક વિશિષ્ટ નાસા મિશન કરતા ટૂંકો હોવા છતાં તેનાથી મંગળ સહિત ભાવિ મિશનો માટે સુટ ટેકનોલોજી ચકાસવાની તક મળી હતી.

ઈસાકમેનની અંતરીક્ષયાત્રા તેમના ખાનગી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવેલ પોલારિસ પ્રોગ્રામનો એક ભાગ છે, જેમાં વધુ બે મિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૨૧માં તેમના પ્રથમ મિશનથી સેંટ જ્યુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલ માટે ૨૫૦ મિલિયન ડોલરથી વધુ ભંડોળ એકત્ર થયું હતું. 

સ્પેસએક્સ સાથેના સહિયારા પોલારિસ ડોન મિશનનનો ખર્ચ જાહેર નથી કરવામાં આવ્યો. આ મિશન અંતરીક્ષ પ્રવાસના ખાનગીકરણમાં વધુ એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થયું છે.


Google NewsGoogle News