Get The App

નવા સ્પેસ યુગમાં આપનું સ્વાગત છે : રિચાર્ડ બ્રેન્સન

વર્જિન ગેલેક્ટિકના ઐતિહાસિક પ્રવાસમાં ભારતીય મૂળની બાંદલા સામેલ

યુનિટી ૨૨એ અવકાશમાં ૮૩ કિ.મી. સુધીનો પ્રવાસ ખેડયો

Updated: Jul 11th, 2021


Google NewsGoogle News
નવા સ્પેસ યુગમાં આપનું સ્વાગત છે : રિચાર્ડ બ્રેન્સન 1 - image


ન્યૂ મેક્સિકો, તા.૧૧

બ્રિટિશ ઉદ્યોગપિત રિચાર્ડ બ્રેન્સન અને તેમની ટીમે રવિવારે ન્યૂ મેક્સિકો સ્થિત વર્જિન ગેલેક્ટિકના ઓપરેઝનલ બેઝથી અવકાશમાં ઉડ્ડયન ભરીને ઈતિહાસ રચી દીધો છે. ૭૦ વર્ષીય બ્રેન્સનના આ ઐતિહાસિક પ્રવાસમાં ભારતીય મૂળની શિરિષા બાંદલા પણ સામેલ છે. શિરિષા કલ્પના ચાવલા પછી અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા છે. રિચાર્ડ બ્રેન્સન અને તેમની ટીમે વર્જિન ગેલેક્ટિક યુનિટી ૨૨ સ્પેસ ફ્લાઈટમાં લગભગ દોઢ ક્લાકનો અવકાશી પ્રવાસ ખેડી પૃથ્વી પર સફળ ઉતરાણ કર્યું હતું.

અમેઝોનના સ્થાપક અને વિશ્વના નં.૧ ધનિક જેફ બેઝોસ, વર્જિન એટલાન્ટિકના રિચર્ડ બ્રેન્સન તથા સ્પેસએક્સના એલન મસ્ક વચ્ચે અવકાશમાં જવા માટે રીતસરની સ્પર્ધા ચાલતી હતી. જેફ બેઝોસે ૨૦મી જુલાઈએ પોતાના ન્યૂ શેફર્ડ શિપમાં અવકાશમાં જવાની જાહેરાત કર્યા પછી અચાનક જ રિચર્ડ બ્રેન્સને ૧૧મી જુલાઈએ બે પાયલટ અને ચાર પ્રવાસી સાથે અવકાશમાં જવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જેફ બેઝોસ કરતાં નવ દિવસ વહેલા તેમના પોતાના સ્પેસશિપમાં અવકાશમાં જઈને બ્રેન્સન ખાનગી ફ્લાઈટમાં અવકાશમાં જનારા પ્રથમ ઉદ્યોગપતિ બન્યા છે.

નવા સ્પેસ યુગમાં આપનું સ્વાગત છે : રિચાર્ડ બ્રેન્સન 2 - image

વર્જિન એટલાન્ટિકની જાહેરાત મુજબ રવિવારે સ્થાનિક ભારતીય સમય મુજબ સાંજે ૬.૩૦ વાગ્યે ન્યૂ મેક્સિકોથી વર્જિન ગેલેક્ટિક યુનિટી ૨૨ સ્પેસ ફ્લાઈટ રવાના થવાની હતી. પરંતુ હવામાનના કારણે ૮.૦૦ વાગ્યે લોન્ચ થઈ હતી. આ ફ્લાઈટનું જીવંત પ્રસારણ કંપનીની યૂ-ટયૂબ અને ફેસબૂક ચેનલ પર પણ કરાયું હતું.

વર્જિન ગેલેક્ટિક માટે આ અવકાશ સુધી જનારું ચોથું ઉડ્ડયન હતું. વર્જિન ગેલેક્ટિકનું વીએએસએસ યુનિટી સ્પેસ પ્લેન મધરશીપ સાથે લગભગ ૧૩ કિ.મી. સુધી ઉપર આકાશમાં પહોંચ્યું હતું. વીએસએસ યુનિટીમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળવા પર્યાપ્ત ઝડપ ન હોવાથી તેને મધરસ્પેસશિપમાં અવકાશમાં લઈ જવાયું હતું. જ્યાંથી યુનિટી ૨૨એ અવાજ કરતાં ત્રણ ઘણી ઝડપે એટલે કે પ્રતિ ક્લાક ૨,૩૦૦ માઈલની ઝડપે અવકાશમાં વધુ આગળનો પ્રવાસ ખેડયો હતો. અવકાશ પ્રવાસના અંતિમ છેડા પર બ્રેન્સન અને ભારતીય મુળની શિલિષા બાંદલા સહિત છ પ્રવાસીઓએ ઝીરો ગ્રેવિટી એટલે કે હવામાં તરવાના અનુભવનો આનંદ માણ્યો હતો. આમ, યુનિટી ૨૨ પૃથ્વીથી કુલ ૮૩ કિ.મી.ની ઊંચાઈ પર ગયું હતું.

અહીંથી સુપરસોનિક સ્પેસ પ્લેન યુનિટી ૨૨એ અમેરિકાના સ્પેસપોર્ટ ખાતે સફળ ઉતરાણ કર્યું હતું. વિમાનમાંથી બહાર નિકળ્યા પછી ઉત્સાહિત રિચાર્ડ બ્રેન્સને પરિવારને ગળે મળી આ અતૈહાસિક ક્ષણની ઊજવણી કરી હતી. બ્રેન્સને જણાવ્યું કે, આ પ્રવાસ આજીવન યાદગાર છે. આજનો પ્રવાસ ૧૭ વર્ષની સખત મહેનતનું પરિણામ છે. તમારું સ્પેસ યુગમાં સ્વાગત છે. આ પ્રવાસની સાથે જ સ્પેસ ટ્રાવેલના મંડાણ થયા છે. અમે બધા જ લોકો માટે અવકાશનો પ્રવાસ વધુ સુલભ બને તેવા પ્રયાસો કરીશું. અમે સ્વપ્નદૃષ્ટાઓની નવી પેઢીને આજના અને આવતીકાલના અવકાશયાત્રીઓ બનાવવા માગીએ છીએ. આ સ્ટેજ પર ઊભા રહેલા બધા જ લોકોએ આજે અવર્ણનિય અનુભવનો આનંદ માણ્યો છે.


Google NewsGoogle News