ગઠબંધન સરકારમાં જોડાવું કે વિપક્ષમાં બેસવું તે વિષે હજી બિલાવલની પાર્ટી PPP અનિર્ણિત
- પાકિસ્તાનમાં પરિસ્થિતિ હજી પણ પ્રવાહી
- PPP દરેક પક્ષોનો સંપર્ક સાધશે તો અપક્ષ તરીકે ચૂંટણી લડનારા PTI ના સભ્યોના પણ સંપર્કમાં છે : શેરી રહેમાન
કરાચી : દેશમાં યોજાયેલ ''નેશનલ એસેમ્બલી'' ચૂંટણીમાં બિલાવલ ભૂટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ગઠબંધન સરકારમાં જોડાવું કે વિપક્ષમાં બેસવું તે અંગે પી.પી.પી.ની ''સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ'' કમિટી (સી.ઈ.સી.)ની એક બેઠક ઈસ્લામાબાદમાં મળી હતી. સોમવારે મોડી રાત સુધી તેમાં ચર્ચા થઈ હતી પરંતુ નવાબ શરીફની પાર્ટી સાથે જોડાઈને કેન્દ્રમાં સરકાર રચવી કે કેમ તે વિષે નિર્ણય લઈ શકાયો નહીં.
પક્ષના વરિષ્ઠ નેતાઓએ એવું સૂચવ્યું હતું કે આપણે જ ઈમરાનખાનની પીટીઆઈ પાર્ટીના સભ્યો જ અપક્ષ તરીકે ચુંટણી લડી વિજયી થયા છે. તેમની સહિત નાના પક્ષોનો પણ સંપર્ક સાધી આપણું જ ગઠબંધન રચવું અને સત્તાની વહેંચણી અંગે તેઓની સાથે સમજુતી સાધવી.
સોમવારે મોડી સાંજ સુધી પીપીપીની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક (ઈસ્લામાબાદમાં) ચાલી હતી. તે પછી સોમવારે રાત્રે પાર્ટીના પ્રવક્તા શેરી રહેમાને કહ્યું હતું કે ''પીપીપી દરેક (રાજકીય) પક્ષોનો સંપર્ક કરશે અને એક સમિતિ રચશે.'' આ સમિતિ મંગળવારે રચાઈ જશે. પરંતુ બપોરના ૩ વાગ્યા સુધી તો સમિતિની ફરી મળેલી બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો ન હતો. વાસ્તવમાં નવાઝ શરીફના નેતૃત્વ નીચેની પીએલએલએન પાર્ટીએ રચેલા ગઠબંધનમાં જોડાવું કે પોતાનું જુદું ગઠબંધન રચવું તે વિષે પીપીપીમાં હજી મતભેદો પ્રવર્તી રહ્યા છે અથવા વિપક્ષમાં ઈમરાનખાનના સમર્થકો સાથે બેસવું તે અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો.
સાધનો જણાવે છે કે પીએમએલએન વારાફરતી વડાપ્રધાન પદ રાખી પાવર-શેરિંગ માટે આતુર છે. તે માટે તે આસીફ ઝરધરીને દબાણ પણ કરી રહેલ છે. જે પ્રમાણે શેહબાઝ શરીફ વડાપ્રધાન પદે અર્ધી-ટર્મ સુધી ચાલુ રહે તે પછી બિલાવલ વડાપ્રધાન તરીકે બીજી અર્ધી ટર્મ માટે સત્તા સંભાળે. તે અંગે વાટાઘાટો ચાલે છે.
આમ છતાં મતભેદો ચાલુ રહ્યા છે. તેમાં મુખ્ય વિવાદાસ્પદ મુદ્દાઓ તે છે કે કોણ વિદેશમંત્રી બને, કોણ (કયા પક્ષના), ગૃહમંત્રી બને, કોણ પિત્ત-મંત્રી બને અને કોણ (પશ્ચિમ) પંજાબના મુખ્યમંત્રી બને તે અંગેના છે.
બીજી તરફ ૩૫ વર્ષના ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ, બિલાવલ ભૂટ્ટોના નિકટવર્તીયોનું માનવું છે કે ''આ પૂર્વ-વિદેશમંત્રી અને તેના પક્ષની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીમાં (સીઈસીમાં) રહેલા સમર્થકો, પીએમએલએન સાથે ગઠબંધન સાધવાના મતના નથી. તેઓને તે પણ શંકા છે કે પીએમએલએન (પાકિસ્તાન-મુસ્લીમ-લીગ-નવાઝ)ના નેતા નવાઝ શરીફ, તેમના ભાઈ શાહબાજ શરીફ કે પુત્રી મરીયમ નવાઝ સાચી રીતે તેઓના મત વિસ્તારમાંથી ચુંટણી જીત્યા છે કે કેમ ? આથી તેમની સાથે જોડાવાને બદલે તેઓના ઈમરાનખાનની પાર્ટી પીટીઆઈના મૂળ સભ્યો જેઓ અપક્ષ તરીકે ચુંટાઈ આવ્યા છે. તેમની સાથે વિપક્ષમાં બેસવું વધુ પસંદ કરશે. બિલાવલ ભૂટ્ટો વડાપ્રધાન પદ વારાફરતી સ્વીકારવાના મતના નથી. આ પ્રકારના 'વ્હીલીંગ-ડીલીંગ' (આડીઅવળી રમતો)ના મતના નથી.
ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનને 'નિકાહ-કેસ'માં ફસાવી કરાયેલી જેલની-સજાનો પણ બિલાવલ ભૂટ્ટો વિરોધ કરે છે. રાજકારણ આટલી હદે નીચું પડે તે તેઓને માટે અસહ્ય છે.
ઉલ્લેખનીય છે કે ઝૂલ્ફાકાર અલિ ભૂટ્ટોને ૧૯૭૯માં અપાયેલી ફાંસીની સજા તેમજ તેઓના માતા બેનઝીર ભુટ્ટોની થયેલી હત્યાની યાદ હજી બિલાવલ ભૂટ્ટો ઝરદારી ભૂલી શક્યા નથી. પરંતુ તેમના પિતા આસીફ અલિ ઝરદારી, સ્થિતિ-સ્થાપક વલણ રાચતા હતા. પરંતુ બિલાવલ તે પ્રકારના નથી. તેઓ અત્યારે (સંઘમાંથી જ ઉદભવેલી) પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સર્વેસર્વા છે.
ટુંકમાં પાકિસ્તાનના રાજકારણમાં અત્યારે વમળો જામ્યા છે અને અમેરિકા, ચીન તથા ભારત સહિત દુનિયાના તમામ અગ્રીમ દેશો 'ખેલ' જોઈ રહ્યા છે. તેવામાં પ્રો. સફદર અબ્બાસનું કહેવું છે કે બિલાવલ અત્યારે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ઉભું કરવા માગે છે. તેઓ કોઈ સાથે જોડાઈ સેકન્ડ ફીડલ વગાડે તે બહુ સંભવિત લાગતું નથી.