Get The App

શ્રીલંકાની ચૂંટણીમાં મોટો ઉલટફેર, ડાબેરી નેતા બનશે નવા રાષ્ટ્રપતિ, જાણો અન્ય દિગ્ગજોની સ્થિતિ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
શ્રીલંકાની ચૂંટણીમાં મોટો ઉલટફેર, ડાબેરી નેતા બનશે નવા રાષ્ટ્રપતિ, જાણો અન્ય દિગ્ગજોની સ્થિતિ 1 - image


Image: Facebook

Sri Lanka Elections: શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકેના હાથે મોટા ઉલટફેરનો સામનો કરવો પડ્યો છે. દિસાનાયકેએ ધમાકેદાર જીત નોંધાવી છે અને તેઓ શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. શ્રીલંકામાં દેશના 10 માં રાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે 21 સપ્ટેમ્બરે મતદાન થયું હતું અને મતગણતરી કાલે સાંજે 5 વાગ્યા બાદ શરૂ થઈ. 1 કરોડ 70 લાખ મતદાતાઓમાંથી લગભગ 75 ટકાએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નવેમ્બર 2019માં થયેલી ગત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 83 ટકા મતદાન નોંધાયુ હતું.

શ્રીલંકાના ચૂંટણી પંચના આંકડા અનુસાર ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકે 52% વોટની સાથે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત નોંધાવી. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે 16 ટકા વોટ સાથે ત્રીજા સ્થાને છે. સાજિથ પ્રેમદાસા 22 ટકા વોટ સાથે બીજા સ્થાને છે. પ્રેમદાસા એક વખત ફરી મુખ્ય વિપક્ષ નેતાની ભૂમિકામાં નજર આવશે. 2022ના આર્થિક સંકટ બાદ શ્રીલંકામાં આ પહેલી ચૂંટણી છે.

એનપીપી-જેવીપી ગઠબંધનના ઉમેદવાર હતા દિસાનાયકે

દિસાનાયકેએ નેશનલ પીપુલ્સ પાવર (NPP) ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જેમાં તેમની માર્ક્સવાદી- જનતા વિમુક્તિ પેરેમુના (JVP) પાર્ટી પણ સામેલ છે. 2022ના આર્થિક સંકટ બાદ શ્રીલંકામાં ગોટબાયા સરકાર વિરુદ્ધ મોટા પાયે જન વિદ્રોહ થયો હતો. પ્રદર્શનકારી કોલંબોમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા હતા, જે બાદ ગોટબાયા રાજપક્ષેને દેશ છોડીને ભાગવુ પડ્યુ હતુ. આ મુશ્કેલ સમયમાં રાનિલ વિક્રમસિંઘેએ દેશની કમાન સંભાળી હતી.

રાનિલ વિક્રમસિંઘેના વિદેશ મંત્રી સાબરીએ સ્વીકારી હાર

રાનિલ વિક્રમસિંઘેના વિદેશ મંત્રી અલી સાબરીએ ટ્વીટર પર એક પોસ્ટમાં દિસાનાયકેને તેમની જીત માટે શુભકામના આપી. તેમણે લખ્યું, 'લાંબા અને થકવી દેનારા અભિયાન બાદ, રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ હવે સ્પષ્ટ છે. મે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે માટે જોરદાર પ્રચાર કર્યો પરંતુ શ્રીલંકાના લોકોએ પોતાનો નિર્ણય જણાવી દીધો છે અને હું અનુરા કુમારા દિસાનાયકે માટે તેમના જનાદેશનું પૂરું સન્માન કરું છું. એક લોકતંત્રમાં જનતાના નિર્ણયનું સન્માન કરવું મહત્વપૂર્ણ છે અને હું કોઈ ખચકાટ વિના તેનો સ્વીકાર કરી રહ્યો છું. દિસાનાયકે અને તેમની ટીમને જીતની હાર્દિક શુભકામનાઓ.'

દિસાનાયકેની એનપીપીને ગત ચૂંટણીમાં માત્ર 3 ટકા વોટ મળ્યા હતાં. શ્રીલંકાનું આર્થિક સંકટ દિસાનાયકેની માટે એક તક સાબિત થયુ છે. તેમણે આ ચૂંટણી દેશની ભ્રષ્ટ રાજકીય સંસ્કૃતિને બદલવાના વચનની સાથે લડી અને તેમની પર જનતાએ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શ્રીલંકામાં મતદાતા ત્રણ ઉમેદવારોને અગ્રતાના ક્રમમાં મૂકીને એક વિજેતાની પસંદગી કરે છે. જો કોઈ ઉમેદવારને પૂર્ણ બહુમત મળે છે તો તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જો બહુમત ન મળે તો, બીજા તબક્કાની ગણતરી શરૂ થાય છે, જેમાં બીજા અને ત્રીજા પસંદના વોટોને ધ્યાનમાં રાખવામાં આવે છે.


Google NewsGoogle News