હમાસ સાથે યુધ્ધ શરૂ થયા બાદ નેતાન્યાહૂની લોકપ્રિયતા તળિયે, માત્ર 15 ટકા નાગરિકોએ સમર્થન આપ્યુ
image : twitter
તેલ અવીવ,તા.3 જાન્યુઆરી 2024,બુધવાર
ઈઝરાયેલે હમાસ સાથે શરૂ કરેલા જંગ બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂની લોકપ્રિયતામાં કોઈ વધારો નથી થયો. ઉલટાનુ તેમની લોકપ્રિયતા તળિયે પહોંચી ચુકી છે.
ઈઝરાયેલમાં થયેલા એક સર્વેના તારણો પ્રમાણે માત્ર 15 ટકા લોકો જ યુધ્ધ બાદ વડાપ્રધાન તરીકે નેતાન્યાહૂને જોવા માંગે છે. જોકે ઘણા બધા નાગરિકોએ ગાઝામાં હમાસને કચડી નાંખવાની દેશની નીતિનુ સમર્થન પણ કર્યુ છે.
ઈઝરાયેલની ડેમોક્રસી ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ઉપરોકત સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 56 ટકા લોકોએ કહ્યુ હતુ કે, બંધકોને છોડાવવા માટે સૈન્ય કાર્યવાહી જ સૌથી સારો વિકલ્પ છે. જ્યારે 24 ટકા લોકોએ કહ્યુ હતુ કે, બંધકોને પાછા લાવવા માટે ઈઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટાઈનના કેદીઓને છોડવા જોઈએ.
સૌથી ચોંકાવનારૂ તારણ એ હતુ કે, માત્ર 15 ટકા લોકોએ યુધ્ધ ખતમ થયા બાદ પીએમ તરીકે નેતાન્યાહૂએ ચાલુ રહેવુ જોઈએ તેમ કહ્યુ હતુ. બીજી તરફ તેમના રાજકીય પ્રતિસ્પર્ધી અને હાલમાં યુધ્ધના સમર્થક બેની ગેટઝને 25 ટકા લોકોએ સમર્થન આપ્યુ છે. જ્યારે 30 ટકા લોકોએ નવા પીએમ તરીકે કોઈ નામ સૂચવ્યુ નહોતુ.
આ સર્વેમાં 1000 જેટલા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે પણ ઈઝરાયેલની ડેમોક્રસી ઈન્સ્ટિટ્યૂટે એક સર્વે કર્યો હતો અને તેમાં 69 ટકા ઈઝરાયેલી નાગરિકોએ યુધ્ધ પૂરૂ થાય એટલે તરત જ ચૂંટણી યોજવાની વાત કરી હતી.
જોકે લેટેસ્ટ સર્વેના તારણો જોતા લાગે છે કે, યુધ્ધ શરૂ થયા બાદ નેતાન્યાહૂની લોકપ્રિયતામાં ઘટાડો થઈ રહ્યો છે. ઈઝરાયેલે હમાસ સાથે શરૂ કરેલા જંગને લગભગ ત્રણ મહિના જેટલો સમય થવા આવ્યો છે અને અત્યાર સુધી આ જંગમાં ગાઝામાં 22000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો પેલેસ્ટાઈનની ઓથોરિટીનો દાવો છે.