ભારતનો મોટો દુશ્મન હાફિઝ સઈદ પણ ખલાસ? આતંકી અબુ કતાલ સાથે ઈજાગ્રસ્ત થયાનો દાવો
Hafiz Saeed News : પાકિસ્તાનમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને એક મોટો ઝટકો લાગતાં મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલ સિંધીની હત્યા કરી દેવાયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના શનિવારે રાતે 8 વાગ્યે બની હતી. અબુ કતાલ ભારત પર કરાયેલા અનેક આતંકી હુમલાઓમાં સામેલ હતો.
NIA દ્વારા તેને વોન્ટેડ જાહેર કરાયો
NIA દ્વારા અબુ કતાલને વોન્ટેડ જાહેર કરાયો હતો. આર્મી સહિત તમામ સુરક્ષા એજન્સીઓ માટે તે મોટો માથાનો દુઃખાવો બની ગયો હતો. આતંકી અબુ કતાલ હાફિઝ સઈદનો નજીકનો ખાસ માણસ ગણાતો હતો. હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ મનાય છે. 26/11 મુંબઈ આતંકી હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે લશ્કર-એ-તોયબાના 10 પાકિસ્તાની આતંકીઓએ મુંબઈમાં અનેક ઠેકાણે એકસાથે આતંકી હુમલા કર્યા હતા. આ ઘટનાને કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
શું હાફિઝ સઈદ પણ કારમાં હતો?
જોકે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે ભારતનો સૌથી મોટો દુશ્મન હાફિઝ સઈદ પણ આ હુમલામાં માર્યો ગયો છે. જોકે આ દાવાની પુષ્ટિ થઇ શકી નથી. સોશિયલ મીડિયા પર આ મામલે ચર્ચા છંછેડાઈ છે. સોશિયલ મીડિયાના અનેક એકાઉન્ટ પર દાવો કરાયો છે કે પાકિસ્તાનના ઝેલમ વિસ્તારમાં જમાત ઉદ દાવાનો વડો અને મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ પણ ઠાર મરાયો છે. એક પોસ્ટમાં એવો દાવો કરાયો છે કે અજાણ્યા બંદૂકધારીઓએ અબુ કતાલ પર હુમલો કર્યો ત્યારે તેની કારમાં હાફિઝ સઈદ પણ હાજર હતો. જેમાં હાફિઝ સઈદ પણ ગંભીર રીતે ઘાયલ થયા પછી તેને રાવલપિંડી લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તે મૃત્યુ પામી ગયાનો દાવો કરાયો છે. જોકે હજુ સુધી આ અહેવાલની પુષ્ટી થઇ શકી નથી.
રિયાસી આતંકી હુમલાનો હતો માસ્ટર માઇન્ડ
ઉલ્લેખનીય છે કે 9 જૂને જમ્મુ-કાશ્મીરના રિયાસીના શિવ ખોડી મંદિરથી પાછા ફરતા તીર્થયાત્રીઓની બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. તે હુમલાનો માસ્ટર માઇન્ડ પણ અબુ કતાલ સિંધી જ હતો. આ ઉપરાંત અનેક આતંકી હુમલાઓમાં તેની ભૂમિકા હોવાનું મનાય છે. એએનઆઈએ 2023ના રાજૌરી હુમલામાં પણ અબુ કતાલને જવાબદાર ઠેરવ્યો હતો.