અમેરિકાના પેલેસ્ટાઈન સમર્થિત દેશોએ ઈઝરાયલ સાથે છેડો ફાડ્યો, લીધો મોટો નિર્ણય
Image Source: Twitter
- બોલિવિયા દ્વારા ગાઝા પટ્ટીને માનવીય સહાયતા મોકલવામાં આવશે
તેલ અવીવ, તા. 01 નવેમ્બર 2023, બુધવાર
ગાઝા પર તાબડતોડ હુમલો કરી રહેલા ઈઝરાયેલને દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાએ મોટો ઝટકો આપ્યો છે. બોલિવિયાએ ઈઝરાયેલ સાથે પોતાના રાજદ્વારી સંબંધો તોડવાનું એલાન કરી દીધુ છે. આ ઉપરાંત કેટલાંય દક્ષિણી અમેરિકી દેશોએ પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે. બોલિવિયાના ઉપ વિદેશ મંત્રી ફ્રેડી મામાનીએ મંગળવારે રાત્રે કહ્યું હતું કે, અમે ઈઝરાયેલ સાથે પોતાના રાજદ્વારી સંબંધોને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અમે આ નિર્ણય ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર ચાલુ સતત હુમલા અને નાગરિકોના મોતના વિરોધમાં લીધો છે.
આટલું જ નહીં અન્ય એક મંત્રી મારિયા નેલા પ્રાડાએ એલાન કર્યું છે કે, બોલિવિયા દ્વારા ગાઝા પટ્ટીને માનવીય સહાયતા મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે માંગ કરીએ છીએ કે, ગાઝા પટ્ટી પર હુમલાને તાત્કાલિક રોકવામાં આવે. અત્યાર સુધીમાં એવા હજારો લોકોના આ હુમલામાં મોત થઈ ચૂક્યા છે જેમનો યુદ્ધ અથવા આ ઈઝરાયેલ પર હુમલા સાથે કોઈ સબંધ નહતો. આ હુમલાના કારણે લાખો પેલેસ્ટિનિયનો બેઘર પણ થઈ ગયા છે. બોલિવિયાના પાડોસી દેશો કોલંબિયા અને ચિલીએ પણ ઈઝરાયેલથી પોતાના રાજદૂતોને પરત બોલાવવાનું એલાન કર્યું છે. આ દેશોએ પણ ગાઝા પટ્ટી પર હુમલા રોકીને તાત્કાલિક સીઝફાયર લાગુ કરવાની અપીલ કરી છે.
ઐતિહાસિક રીતે લેટિન અમેરિકાના તે દેશો પેલેસ્ટાઈનના સમર્થક રહ્યા છે જ્યાં ડાબેરી વિચારધારાવાળી સરકારો રહી છે. તેમાં ચિલી, કોલંબિયા, વેનેઝુએલા, ક્યુબા જેવા દેશો સામેલ છે. આ ઉપરાંત દક્ષિણપંથી વિચારધારા ધરાવતા દેશો હંમેશા અમેરિકાની સાથે રહ્યા છે. આમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે દક્ષિણ અમેરિકાના દેશોને પણ બે જૂથોમાં વહેંચી દીધા છે. ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે આરોપ લગાવ્યો કે, ઈઝરાયેલ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તે ગાઝાના એ નિર્દોષ લોકોને પણ હમાસના હુમલાની સજા આપી રહ્યું છે જેનો યુદ્ધ કે હુમલા સાથે કોઈ સબંધ નહતો.