ગાઝા યુદ્ધમાં બાયડેનનો 'યુ-ટર્ન' ટૂંક સમયનાં યુદ્ધ વિરામ માટે UNSCમાં વૈકલ્પિક ડ્રાફટ રજૂ કર્યો
- આ સાથે ઇઝરાયેલે રફાઝ પર કરેલા હુમલાનો પણ વિરોધ કર્યો : બંદીવાનોને મુક્ત કરવાનું હમાસને કહેતાં ગાઝા-પટ્ટીમાં માનવીય સહાય મોકલવા આગ્રહ રાખ્યો
યુનો : યુનાઇટેડ નેશન્સ સિકયોરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં અમેરિકાએ ગાઝામાં યુદ્ધ વિરામ માટે વૈકલ્પિક મુસદ્દો રજૂ કરવા સાથે ઇઝરાયલ દ્વારા રફાહ વિસ્તારમાં પણ કરાતા હુમલાનો પણ વિરોધ કર્યો હતો.
પોતાના પરંપરાગત વલણમાં અચાનક યુ ટર્ન લેતા, અમેરીકાએ સીઝ ફાયરનો શબ્દ પ્રયોગ કર્યો છે. જે શબ્દ પ્રયોગ કરતાં તે પહેલા અચકાતું હતું. પરંતુ આ મુસદ્દામાં બાયડેન વહીવટી રીતે શસ્ત્ર વિરામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
આ મુસદ્દામાં તત્કાળ યુદ્ધ વિરામ કરવા સાથે હમાસને બંદીવાનોને પણ મુક્ત કરવા અનુરોધ કરાયો છે, તે સાથે ગાઝા-પટ્ટીમાં દરેક પ્રકારની આડસો દૂર કરી ત્યાં મોટા પાયે માનવીય સહાય મોકલવા તમામ દેશોને વિશેષત: સાથી રાષ્ટ્રોને પણ અનુરોધ કર્યો છે.
આ સાથે અમેરિકાએ જણાવ્યું હતું કે, આ મુસદ્દા અંગે મતદાન રજૂ કરવાની તે ઉતાવળ કરવા માગતું નથી. સાથે મંત્રણા માટે સમય ફાળવવા તે આગ્રહી છે. તેમ અમેરિકાના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું હતું.
તે અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, આ મુસદ્દામાં નાગરિકોને થતી ઇજાઓ અને તેમને ફરજિયાત કરવા પડતાં સ્થનાનાંતર ઉપર પણ લક્ષ્ય દોરવામાં આવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે, નાગરિકો પાડોશી દેશોમાં પણ જઇ રહ્યા છે. તેમાંએ મેં રાફાટ ઉપર ભારે હુમલો કરાશે તો તેના પ્રત્યાઘાતો આજુબાજુના દેશો ઉપર પણ પડયા વગર નહીં રહે. તેથી તે વિસ્તારની શાંતિ અને સલામતી જોખમાઈ જશે. માટે આ સંયોગોમાં તે રાફાહ ઉપર ભૂમિદળનો હુમલો કરવો જ ન જોઈએ.
તે સર્વવિદિત છે કે અમેરિકા ઐતિહાસિક રીતે સતત ઇઝરાયલને યુનોમાં પગલાથી બચાવતું આવ્યું છે. પરંતુ આ ઠરાવ તેનાં ઐતિહાસિક વલણથી જુદો પડે છે. આ અંગે યુનોનાં ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગુ્રપના ડીરેકટર રીચાર્ડ ગોલને કહ્યું હતું કે, આ મુસદ્દાની રજૂઆત માત્ર જ ઇઝરાયલ માટે ચેતવણીરૂપ છે કે, અમેરિકા દ્વારા અપાઈ રહેલો રાજદ્વારી ટેકો કાયમ નહીં રહે તે ઇઝરાયેલને સમજી જવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલના પ્રચંડ આક્રમણ સામે દુનિયાભરમાં ખુદ અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે અને સીઝ ફાયરની માગણી કરતાં પ્લેકાર્ડઝ લઈ હજ્જારો લોકો માર્ગો ઉપર આવી રહ્યા છે.