પ્રમુખ પુતિન અંગે બાયડેને કરેલાં વિધાનો તોછડાં અને અસ્વીકાર્ય છે : ક્રેમ્લીનના પ્રવક્તા

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
પ્રમુખ પુતિન અંગે બાયડેને કરેલાં વિધાનો તોછડાં અને અસ્વીકાર્ય છે : ક્રેમ્લીનના પ્રવક્તા 1 - image


- એક દેશના પ્રમુખ બીજા દેશના પ્રમુખ માટે આવું બોલી ન શકે

- બાયડેને નાટો સમિટ સમયે પુતિનને હિંસક પાગલ કહ્યા તે સામે રશિયાએ તેમના બફાટ પર બફાટની ઠેકડી ઉડાડી

વૉશિંગ્ટન, મોસ્કો : અમેરિકાના પ્રમુખ બાયડેને નાટો સમિત સમયે પ્રમુખ પુતિન માટે કરેલાં વિધાનોને મોસ્કોએ તોછડાં અને અસ્વીકાર્ય ગણાવતાં બાયડેને કરેલા એક પછી એક બફાટની ઠેકડી ઉડાડી હતી. તેણે કહ્યું દુનિયા આખીયે તેમનો બફાટ જોયો છે, સાંભળ્યો છે. તેઓએ (ટ્રમ્પ સામેની) ચર્ચા સમયે તેમજ બીજા અનેક વખતે તેઓ અત્યંત દબાણમાં હોય તેવું લાગતું હતું. તેમજ વધતી જતી વયને લીધે તેઓનાં માનસિક સંતુલન અંગે પણ તેમણે કરેલા વારંવાર બફાટને લીધે શંકા ઉપસ્થિત થાય છે.

બાયડેને ગત ગુરૂવારે ઝેલેન્સ્કીને, પુતિન કહી દીધા હતા. તો બીજી તરફ તેઓને ઉપપ્રમુખ કમલા હેરિસને ડૉનાલ્ડ-ટ્રમ્પ પણ કહી દીધાં હતાં. ચીફ-ઓફ-સ્ટાફને કમાન્ડર ઇન ચીફ કહ્યા. વાસ્તવમાં તેઓ જ કમાન્ડર ઇન ચીફ છે તે જ ભૂલી ગયા.

આમ કેહતાં ક્રેમ્લીનના પ્રવક્તા, દીમિત્રી, પેસ્કોવે કહ્યું હતું કે તેમના આ બફાટોની ચર્ચા તો સમગ્ર યુ.એસ.માં થઇ રહી છે. પરંતુ તે અમારો વિષય નથી, તે યુ.એસ.ની આંતરિક બાબત છે.

આ સાથે પેસ્કોવે કહ્યું હતું કે નાટો સમિટ સમયે પ્રમુખ બાયડેને પ્રમુખ પુતિનને હિંસક પાગલ કહ્યા પરંતુ એક રાષ્ટ્રના વડા બીજાં રાષ્ટ્રના વડા માટે આવું બોલી જ ન શકે.

દરમિયાન રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા, મારિયા ઝાખરોવાએ વ્યંગ કરતાં (જોકમાં) કહ્યું કે બાયેડને તો તેવું દર્શાવ્યું છે કે, તેઓ પ્રો-રશિયન-કેન્ડીડેટ (રશિયા તરફી ઉમેદવાર) છે અને તેઓ ક્રેમ્લિન દ્વારા દોરવાઈ રહ્યા છે.

રશિયા ટીવી કોમેન્ટેટર્સ તો કેટલાયે સમયથી ૮૧ વર્ષના બાયડેનને વયને લીધે બુદ્ધિ ભ્રમ થયેલા કહેતાં, આશંકા વ્યક્ત કરી હતી કે તેઓ આવાં ગોથાં ખાઈ વિશ્વને ત્રીજાં વિશ્વયુદ્ધ તરફ ઢસડી જશે.

જ્યારે ક્રેમ્લીન તરફી ટીવી કોમેન્ટેટર ઓલ્ગા સ્કેલીએવાએ તો બાયડેને ઝેલેન્સ્કીને પુતિન કહેતાં, ખડખડાટ હાસ્ય સાથે એક પોષ્ટ કરતાં લખ્યું 'ધી શૉ ફ્રોમ જો ગોઝ ઓન'(જો બાયડેનનું નાટક ચાલી રહ્યું છે).

આ ઉપરાંત, મારિયા ઝાખારોવાએ અમેરિકાનાં મીડીયા અને અમેરિકાના અધિકારીઓની પણ ઉધડી લેતાં જણાવ્યું કે તેઓએ વર્ષો સુધી તેની (બાયડેનની) કાર્ય શક્તિ અને તે પ્રત્યે જનતાના પ્રતિભાવોને દબાવી જ રાખ્યા કર્યાં.

આ પૂર્વે કેટલાક સમયે, અમેરિકાના પૂર્વ પ્રમુખ એ ડેમોક્રેટ બરાક ઓબામા તથા પૂર્વેનાં અમેરિકી લોકસભા (હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટિવ્ઝ)નાં અધ્યક્ષા નેન્સી પેલોસીએ પણ ખાનગીમાં બાયડેનની બીજી વાર પ્રમુખ પદની ઇચ્છા અંગે નારાજગી દર્શાવી હતી.


Google NewsGoogle News