બાઈડેન પ્રમુખપદની રેસમાંથી ખસી ગયા
- ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા હવે વધુ મજબૂત નેતાને પસંદ કરાશે, કમલા હેરિસનું નામ ચર્ચામાં
- અમેરિકામાં ચૂંટણી રસપ્રદ બની
- અમેરિકાના નાગરિકો અને પક્ષના હિતને ધ્યાનમાં રાખીને મે ફરી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે ઃ બાઇડેન
વોશિંગ્ટન: અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેને ખસી જવાનો નિર્ણય લીધો છે. ટ્વીટર પર એક ખુલ્લો પત્ર જાહેર કરીને જો બાઇડેને આ જાહેરાત કરી હતી. અમેરિકાના નાગરિકોને લખેલા પત્રમાં બાઇડેને કહ્યું હતું કે અમેરિકન નાગરિકોના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવી મારા માટે ગૌરવની ક્ષણ હતી, મને લાગી રહ્યું છે ચૂંટણીની રેસમાંથી ખસી જવું અમેરિકા અને મારા પક્ષ બન્નેના હિતમાં છે. હું મારો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બીજી વખત ચૂંટણી લડવા નથી માગતો. મારા સ્થાને ડેમોક્રેટના અન્ય કોઇ નેતાને તક આપવી જોઇએ.
અમેરિકામાં હાલની સ્થિતિ મુજબ વિપક્ષ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે જો બાઇડેન વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટક્કર થવાની શક્યતાઓ હતી. જોકે અચાનક જ જો બાઇડેને ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરીને માત્ર અમેરિકા જ નહીં સમગ્ર વિશ્વમાં એક આશ્ચર્ય સર્જ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચા દરમિયાન જો બાઇડેન પર તેમની ઉંમરની અસર પણ જોવા મળી હતી. ત્યારે જ એવી અટકળો ચાલી રહી હતી કે જો બાઇડેન ચૂંટણીની રેસમાંથી ખસી શકે છે. એવામાં હવે બાઇડેને આ અટકળોને વિરામ આપીને સત્તાવાર રીતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. જેને પગલે હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપી શકે તેવા કદ્દાવર નેતાને સત્તાધારી ડેમોક્રેટે મેદાનમાં ઉતારવા પડશે નહીં તો ડોનાલ્ડ ટ્રમ્પ માટે જીત મેળવવી સરળ થઇ શકે છે.
જો બાઇડેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા પત્રમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકેના મારા વર્તમાન કાર્યકાળ દરમિયાન મારા તમામ કામોમાં મને સાથ સહકાર આપવા બદલ હું ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો આભાર વ્યક્ત કરુ છું, મારા પર વિશ્વાસ રાખવા બદલ અમેરિકન નાગરિકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરું છું. ૮૧ વર્ષના જો બાઇડેને આ સાથે જ પોતાના ચૂંટણી પ્રચાર પર પણ પૂર્ણ વિરામ મુક્યું હતું. તેમણે કહ્યું હતું કે મારા આ નિર્મય અંગે હું જાહેરમાં વધુ વિગતો સાથે વાત કરીશ. બાઇડેને હાલ કહ્યું છે કે હું માત્ર મારો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરીશ, દેશ અને પક્ષના હિતને ધ્યાનમાં રાખીને મે ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આગામી સપ્તાહે તેઓ અમેરિકાને સંબોધશે જે દરમિયાન તેઓ આ અંગે વધુ વાત કરશે.
જો બાઇડેને એવા સમયે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખસી જવાનો નિર્ણય લીધો છે જ્યારે ચૂંટણી પ્રચાર તેના છેલ્લા તબક્કામાં છે. હવે ચૂંટણીને માત્ર ચાર મહિનાનો જ સમય બાકી છે. તાજેતરમાં જો બાઇડેનનું સ્થાન લઇ શકે તેવા નેતાઓમાં અમેરિકાના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ ટોચના સ્થાને ચર્ચામાં છે. હવે આગામી મહિને શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેંશનમાં નવા ઉમેદવારની પસંદગી કરવામાં આવી શકે છે. પક્ષના ૪૦૦૦ પદાધિકારીઓ, એક્ટિવિસ્ટ્સ અને જાણીતા ડેલિગેટ્સ દ્વારા મત આપીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.