બાઇડેન નહીં લડે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી, કહ્યું- દેશ અને પક્ષના હિતમાં લીધો નિર્ણય

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
Biden


Biden Will Not Contest The US Election : અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં રસપ્રદ વળાંક જોવા મળ્યો છે. જેમાં અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઈડેને આગામી પ્રમુખપદની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જેમાં તેમણે પત્ર લખીને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી નહીં લડવા અંગેની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન એવી અનેક ઘટનાઓ બની હતી જેને લઈને બાઈડેનની હેલ્થ પર સવાલ ઊઠ્યા હતા. જેમાં એકવાર તો ટ્રમ્પ સાથેની ડિબેટમાં તેઓ ઊંઘી જ ગયા હતા અને તેના કારણે જ ડિબેટમાં ટ્રમ્પ મજબૂત દાવેદાર બનીને ઉભરી આવ્યા હતા. ત્યારબાદ તાજેતરની એક ઘટના અનુસાર મંચ પર હાજર કોઈ અન્ય મહિલાને બાઈડેન તેમની પત્ની ઝીલ સમજી બેઠા અને તેને કીસ કરવા આગળ વધી ગયા હતા. આ ઘટના સમયે તેમની પત્ની ત્વરિત દોડી આવી હતી અને બાઈડેનને અટકાવ્યા હતા. ત્યારે બાઈડેને જે એક્સપ્રેશન આપ્યા હતા તે કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેને લઈને ફરી બાઇડેન ચોતરફી ઘેરાવા લાગ્યા હતા. 

પત્ર લખીને પ્રમુખપદની ચૂંટણી નહીં લડવા અંગેની જાણકારી આપી

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાઇડેન પ્રમુખપદની ચૂંટણી લડશે કે નહીં તેને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. બાઇડેને પોતે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી પ્રમુખપદની ચૂંટણી નહીં લડવાની જાણકારી આપી છે. 28 જૂને અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચર્ચા બાદ  પ્રમુખપદની ચૂંટણીને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ બાઈડેનને પ્રમુખપદની ચૂંટણીની ઉમેદવાર છોડી દેવાની માગ કરી હતી. જેમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને ટેક્સાસના સાંસદ લોયડ ડોગેટે જાહેરમાં બાઈડેનને ઉમેદવારી છોડવાની માગ કરનાર પહેલા નેતા હતા. જો કે, ત્યારબાદ બાઈડેને કહ્યું હતું કે, 'જો ડોક્ટર મને અનફિટ કે કોઈ બિમારીથી પીડિત જણાવશે તો હું જાતે જ પ્રમુખપદની રેસમાંથી બહાર થઈ જઈશ.'

બાઈડેને પત્રમાં શું લખ્યું

સોશિયલ મીડિયામાં જાહેર કરેલા પત્રમાં બાઈડેને તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં થયેલા વિકાસ વિશે લખ્યું છે કે, 'આપણે સાડા ત્રણ વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે. અમેરિકા વિશ્વનું સૌથી મજબૂત અર્થતંત્ર છે ત્યારે દેશના નિર્માણ માટે ઐતિહાસિક રોકાણ કર્યું છે. અમેરિકાના લોકોને સસ્તી હેલ્થ કેર એટલે કે સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવામાં આવી છે. અમે છેલ્લા 30 વર્ષમાં પ્રથમ વખત ગન સેફ્ટીનો કાયદો પસાર કર્યો છે. આ સાથે પર્યાવરણ બચાવવા માટે વિશ્વમાં પહેલી વખત આ કાયદો લાવ્યાં છીએ. અમેરિકાની સ્થિતિ પહેલા કરતાં હાલ સારી છે.' ટ્વિટર પર એક ખુલ્લો પત્ર જાહેર કરીને જો બાઇડેને આ જાહેરાત કરી હતી. અમેરિકાના નાગરિકોને લખેલા પત્રમાં બાઇડેને કહ્યું હતું કે અમેરિકન નાગરિકોના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવી મારા માટે ગૌરવની ક્ષણ હતી, મને લાગી રહ્યું છે ચૂંટણીની રેસમાંથી ખસી જવું અમેરિકા અને મારા પક્ષ બન્નેના હિતમાં છે. હું મારો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બીજી વખત ચૂંટણી લડવા નથી માગતો. મારા સ્થાને ડેમોક્રેટના અન્ય કોઇ નેતાને તક આપવી જોઇએ.

ઘણાં સમયથી અટકળો ચાલી રહી હતી... 

અમેરિકામાં હાલની સ્થિતિ મુજબ વિપક્ષ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે જો બાઇડેન વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટક્કર થવાની શક્યતાઓ હતી. જોકે અચાનક જ જો બાઇડેને ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરીને માત્ર અમેરિકા જ નહીં સમગ્ર વિશ્વમાં એક આશ્ચર્ય સર્જ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચા દરમિયાન જો બાઇડેન પર તેમની ઉંમરની અસર પણ જોવા મળી હતી. ત્યારે જ એવી અટકળો ચાલી રહી હતી કે જો બાઇડેન ચૂંટણીની રેસમાંથી ખસી શકે છે. એવામાં હવે બાઇડેને આ અટકળોને વિરામ આપીને સત્તાવાર રીતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. જેને પગલે હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપી શકે તેવા કદ્દાવર નેતાને સત્તાધારી ડેમોક્રેટે મેદાનમાં ઉતારવા પડશે નહીં તો ડોનાલ્ડ ટ્રમ્પ માટે જીત મેળવવી સરળ થઇ શકે છે. 

પત્રમાં કમલા હેરિસનો કર્યો ઉલ્લેખ 

જો બાઇડેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા પત્રમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકેના મારા વર્તમાન કાર્યકાળ દરમિયાન મારા તમામ કામોમાં મને સાથ સહકાર આપવા બદલ હું ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો આભાર વ્યક્ત કરુ છું, મારા પર વિશ્વાસ રાખવા બદલ અમેરિકન નાગરિકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરું છું. 81 વર્ષના જો બાઇડેને આ સાથે જ પોતાના ચૂંટણી પ્રચાર પર પણ પૂર્ણ વિરામ મુક્યું હતું. તેમણે કહ્યું હતું કે મારા આ નિર્મય અંગે હું જાહેરમાં વધુ વિગતો સાથે વાત કરીશ. બાઇડેને હાલ કહ્યું છે કે હું માત્ર મારો વર્તમાન કાર્યકાળ પૂર્ણ કરીશ, દેશ અને પક્ષના હિતને ધ્યાનમાં રાખીને મે ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આગામી સપ્તાહે તેઓ અમેરિકાને સંબોધશે જે દરમિયાન તેઓ આ અંગે વધુ વાત કરશે. 

બાઇડેન નહીં લડે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી, કહ્યું- દેશ અને પક્ષના હિતમાં લીધો નિર્ણય 2 - image


Google NewsGoogle News