'જો બાઈડન ડ્રગ્સ લે છે...' અમેરિકામાં ચૂંટણી ટાણે ડોનાલ્ડ ટ્રમ્પનો સનસનાટી મચાવતો આક્ષેપ
- 'સ્ટેટ ઓફ યુનિયન' પ્રવચન સમયે બાયડેને ડ્રગ લીધું હતું શરૂમાં પતંગથી પણ ઉંચે ઉડયા, અંતમાં એકદમ ઢીલા થઈ ગયા
નવી દિલ્હી : અમેરિકાના પૂર્વ પ્રમુખ અને આ વખતની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ પ્રમુખ જો બાયડેનના રીપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બાયડેન ઉપર આંચકાજનક આક્ષેપ કરતાં કહ્યું હતું કે પ્રમુખ જો બાયડેને 'સ્ટેટ ઓફ યુનિયન'ના ગયા મહિને કરેલા પ્રવચન સમયે તેમણે ડ્રગ લીધું હતું. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સાથેની 'ડીબેટ' પૂર્વે તેઓનો 'ડ્રગ-ટેસ્ટ' કરવો અનિવાર્ય હોવો જોઈએ.
એક કોન્ઝર્વેટિવ રેડીયો શો દરમિયાન તેઓએ હોસ્ટ હ્યુજ હેવીટને ગુરૂવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 'કોઈ સફેદ પદાર્થ' વ્હાઈટ હાઉસમાં હતો તેમ જાણવા મળ્યું છે. તે કોકેઈન કે તેવું કશું હશે પરંતુ તે વિષે હું કશું કહી શકું તેમ નથી, પરંતુ મારૃં અનુમાન છે કે, ત્યાં કશું થઈ રહ્યું છે. મેં તે શો જોયો છે. તેમનું 'સ્ટેટ ઓફ યુનિયન એડ્રેસ' પણ ટીવી ઉપર જોયું છે. ત્યારે પહેલાં તો તેઓ પૂરેપૂરા ટટારીમાં હતા, પરંતુ પછીથી ઝડપબંધ 'વિલાતા' ગયા કશુંક કંઈ થઈ રહ્યું છે તે ચોક્કસ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે હું તેમની સાથે 'ડીબેટ' કરવા માગું છું પરંતુ તેઓ સાથેની ડીબેટ્સ (વક્તવ્ય સ્પર્ધા) પહેલાં 'ડ્રગ ટેસ્ટ' થવો અનિવાર્ય છે. ડ્રગ ટેસ્ટ થાય તેમ હું ઈચ્છું છું.
આ કંઈ પહેલીવાર નથી થયું કે જ્યારે ટ્રમ્પે આવા આંચકાજનક વિધાનો તેઓના પ્રતિસ્પર્ધીઓ માટે કર્યાં હોય. ૧૯૧૬ની પ્રમુખપદની ચૂંટણી વખતે ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી હીલેરી ક્વિન્ટન ઉપર ડ્રગનું ઈન્જેકશન લેવાનો આક્ષેપ કર્યો હતો. આ તબક્કે એન્કરે ટ્રમ્પને વધુ સ્પષ્ટતા કરવા દબાણ કર્યું ત્યારે તેમણે કહ્યું, 'હું કંઈ જોક કરતો નથી.'
સૌથી વધુ વક્રતા તો તે છે કે, ટ્રમ્પ પોતે જ વિવાદના વમળમાં ફસાયેલા છે. ૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણી દરમિયાન વક્તવ્ય સ્પર્ધા (ડીબેટ) સમયે તેઓ વારંવાર કશું સુંઘતા દેખાતા હતા. આથી તેમના વિરોધીઓએ એવી હવા ચલાવી હતી કે, તે 'નોઝ-સ્ટિક'માં કોકેઈન હશે જે સુંઘી તેઓ ટટારીમાં આવી જતા હશે. આ માન્યતાને પૂર્વ ડેમોક્રેટિક પ્રેસિડેન્શ્યલ કેન્ડીડેટ હાવર્ડ ડીન અને એક્ટર કેરી ફીશરે સમર્થન આપતાં કહ્યું હતું કે ૨૦૧૬ની પ્રેસિડેન્શ્યલ ડીબેટ સમયે વારંવાર જે 'નોઝ સ્ટિક' સૂંઘતા હતા તેમાં કોઈ ઔષધ નહીં પરંતુ ડ્રગ હોવા સંભવ છે.