યુનોની સલામતી સમિતિમાં ભારતનાં કાયમી સભ્યપદને બાયડેનનું સમર્થન : મોદીની યુક્રેન મુલાકાતની પ્રશંસા કરી
અમારી પ્રાદેશિક વૈશ્વિક પ્રશ્નો પરની ચર્ચા ઘણી સફળ રહી
ક્વૉડ સમિટ પૂર્વે બાયડેન મોદીને ડેલવર સ્થિત પોતાનાં પૈતૃક નિવાસ સ્થાને લઇ ગયા : મોદીએ તે માટે આભાર માન્યો
ડેલવર: અમેરિકાના પ્રમુખ જો બાયડેન અહીં મળી રહેલી ક્વૉડ દેશોની શિખર મંત્રણા પૂર્વે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનાં પૈતૃક નિવાસ સ્થાને લઇ ગયા હતા. ત્યારે બંને નેતાઓ વચ્ચે શનિવારે થયેલી વાતચીતમાં સર્વગ્રાહી વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા થઇ હતી. વ્હાઇટ હાઉસ દ્વારા પ્રસિદ્ધ થયેલાં નિવેદનમાં આ સાથે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ ભાગીદારીનો હેતુ, વૈશ્વિક હિતોને રક્ષવાનો હતો. તે માટે એક મહત્વાકાંક્ષી પણ કાર્યસૂચિ તૈયાર કરવામાં આવશે.
૮૧ વર્ષના પીઢ રાજકારણી તેવા જો બાયડેને વિશ્વ મંચ પર ભારતે પૂરાં પાડેલાં નેતૃત્વની ભારોભાર પ્રશંસા કરી હતી. વિશેષતઃ જી-૨૦ અને ગ્લોબલ સાઉથને મોદીએ આપેલાં નેતૃત્વની પ્રશંસા કરતાં ભારતને સંયુક્ત રાષ્ટ્રોની સલામતિ સમિતિમાં કાયમી સભ્ય પદ મેળવવું જ જોઇએ તેમ પણ કહ્યું હતું.
આ સાથે ક્વોડ ને મજબૂત બનાવવા મોદીએ આપેલાં પ્રદાનની સરાહના કરતાં કહ્યું હતું કે, ભારતે કોવિદ-૧૯ મહામારી સમયે નેતૃત્વ લઇ વિશ્વને તેની ભયાનક અસરમાંથી બચાવવામાં ઘણું મોટું કામ કર્યું હતું.
આ ઉપરાંત ભારતના વડાપ્રધાનની પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક દશકોમાં ભારતના વડાપ્રધાને તે દેશોની લીધેલી મુલાકાત ઉલ્લેખનીય બની રહી છે. તેઓએ યુક્રેનમાં આપેલો શાંતિનો સંદેશો તેમજ અત્યારે પણ ભારત દ્વારા મોકલાઈ રહેલી માનવીય સહાય અદ્વિતીય કહી શકાય તેવી છે. આ સાથે બંને દેશોની મૈત્રી સઘન કરવા તેઓએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
જો બાયડેને વિશ્વફલક ઉપર ભારતે ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે હવે સુધારેલી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ મળવું જ જોઇએ. અને તે માટે અમેરિકા તમામ પ્રયત્નો કરશે જ. બંને નેતાઓએ મહત્વનાં ટેકનોલોજી ક્ષેત્રમાં જેવાં કે, ઇનિશ્યેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જીંગ ટેકનોલોજી, સ્પેસ, સેમિ કન્ડકટર્સ અને એડવાન્સડટર્સમાં સહકાર સ્થાપવા નિર્ણય લીધો હતો. તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ ક્વૉન્ટસ અને બાયોટેકનોલોજી જેવાં ક્ષેત્રોએ સહકાર સ્થાપવા સંમત થયા હતા.
વડાપ્રધાન મોદીએ જો બાયડેન અને ફર્સ્ટ લેડીને હસ્ત કલાથી બનાવેલી અને એક જ લાકડાંમાંથી કોતરી કાઢેલી ટ્રેનનું મોડેલ તથા કાશ્મીરની પશ્મીના શાલ ભેટ આપી હતી.