બાયડેન પુતિનની હત્યા કરાવવા માગતા હતા ? ટકર-કાર્લસનનો આંચકાજનક ધડાકો
- કાર્લસને ટકર-કાર્લસન શોમાં કરેલાં આ દાવાને પ્રમાણો આપ્યાં નથી : રશિયાએ કહ્યું જો તેમ થયું હોત તો ન્યુક્લિયર વૉર થઈ જાત
વૉશિંગ્ટન : અમેરિકાના ખ્યાતનામ પત્રકાર અને ફોક્સ ન્યૂઝના પૂર્વ પ્રમુખ સંવાદદાતા ટકર કાર્લસને એક આંચકાજનક ધડાકો કરતાં કહ્યું હતું કે, જ્યારે જો બાયડેન પ્રમુખપદે હતા, ત્યારે તેઓનાં વહીવટીતંત્રે રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિનની હત્યા કરાવવા પ્રયાસ કર્યો હતો. પોતાના છેલ્લાં એપિસોડમાં કાર્લસને કરેલા આ દાવાને પુષ્ટિ આપતાં કોઈ પ્રમાણો રજૂ કર્યા નતી તે અલગ વાત છે.
કાર્લસનનાં આ વિધાનોએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. જ્યારે પુતિનના પ્રવક્તા દીમીત્રી પેસ્કોવે કહ્યું હતું કે આવી સંભવિત આપત્તિઓ સામે રશિયાના પ્રમુખ પૂરેપૂરા સુરક્ષિત હોય છે. તેમણે વધુમાં કહ્યું કે રશિયાની સ્પેશ્યલ સર્વિસ જનસામાન્યની સુરક્ષા માટે તેમજ રાજ્યના ઉચ્ચ અધિકારીઓની સુરક્ષા માટે સંભવિત તમામ પગલાં લેતી જ હોય છે.
જ્યારે રશિયાની ડુમા (સંસદ)ના અધ્યક્ષ વ્યાલેસ્લાવ વોલેડીને કઠોર શબ્દોમાં કહ્યું હતું કે, પ્રમુખ પુતિનની હત્યાના પ્રયાસનાં ભયંકર પરિણામો આવી શકે તેમ છે, તે પરમાણુ યુદ્ધ પણ લાવી શકે.
પોતાના ટેલીગ્રામ પોસ્ટ ઉપર વૉલોડીને લખ્યું : પુતિનની હત્યાનું કાવતરૃં, કે તે માટેની સામાન્ય ચર્ચા પણ અપરાધ-યુક્ત છે. તે વૈશ્વિક સલામતી માટે પણ ભયરૂપ છે. આ સાથે તેઓએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આ વિધાનો અંગે તપાસ કરવા પણ અનુરોધ કર્યો હતો, અને રશિયાના લોકોને આ પરિસ્થિતિ ગંભીરતા સમજવા પણ કહ્યું હતું અને કહ્યું હતું કે દેશ સામે કેવા પડકારો ઊભા થઈ રહ્યાં છે તે ધ્યાનમાં રાખો.
ઉલ્લેખની છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યા પછી અને તે પહેલાં તેઓનાં ચૂંટણી પ્રચાર સમયે પણ વારંવાર કહ્યું હતું કે તેઓ યુક્રેન યુદ્ધ બંધ કરવા તમામ સહાય કરવા તૈયાર છે. તેઓએ તેમ પણ કહ્યું હતું કે તેઓ તે માટે પ્રમુખ પુતિન અને ઝેલેન્સ્કી બંને સાથે વાતચીત કરવા માગે છે, અને મોસ્કો તથા કીવ વચ્ચેનો સંઘર્ષ બંધ કરવા માગે છે.
રશિયાના પ્રમુખ પુતિને તો પહેલાં જ જણાવી દીધું હતું કે, તેઓ અનેકવિધ મુદ્દાઓ ઉપર અમેરિકા સાથે મંત્રણા કરવા તૈયાર જ છે.
બીજી તરફ પત્રકારોને કરેલાં સંબોધનમાં ટ્રમ્પે કહ્યું હતું કે મેં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે (ફોન ઉપર) વાતચીત કરી હતી. હવે હું રશિયાના પ્રમુખ પુતિન સાથે પણ વાતચીત કરવા તૈયાર છું. તેઓ બંને આ યુદ્ધનો અંત ઈચ્છે છે. મને લાગે છે ેક પુતિન તો આ યુદ્ધના અંત માટે પ્રતિબદ્ધ છે.