જતાં જતાં બાયડેને યુક્રેન માટે ખજાનો ખોલ્યો એવા ઘાતક શસ્ત્રો આપ્યા જેથી માનવ અધિકાર સંસ્થા ભડકી
- બાયડેન યુક્રેનને 725 મિલિયન ડોલર એટલે આશરે 6139 કરોડ રૂપિયાની શસ્ત્ર સહાય કરવાના છે
વોશિંગ્ટન : આગામી મહીને જો બાયડેન પ્રમુખપદેથી ઉતરવાના છે પરંતુ પોતાના કાર્યકાળના છેવટના દિવસોમાં તેઓએ યુક્રેનને ૭૨૫ મિલિયન ડોલર એટલે કે આશરે ૬૧૩૯ કરોડ રૂપિયાની જબરજસ્ત સૈન્ય સહાય કરવાના છે તે પાછળ તેમનો હેતુ યુક્રેન માત્ર યુદ્ધના મેદાનમાં રશિયાનો સામનો કરવા માટે સક્ષમ રહે તેટલો જ નથી, પરંતુ રણક્ષેત્રમાં કીવને આગળ વધારવાનો છે.
આ સેનાકીય સહાયમાં કેટલીયે ડ્રોન વિરોધી સીસ્ટીમ, હાઈ-મોબિલિટી આર્ટીલરી રોકેટ સીસ્ટીમ, (એચઆઈએમઆરએસ) અને એન્ટી પર્સનલ લેન્ડ માઈન્સ પણ સામેલ છે. બાયડેનના આ નિર્ણય અંગે ચર્ચાનું બજાર તેજ થઈ ગયું છે. તેમાં પણ આર્મી ટેક્ટિકલ મિસાઇલ સીસ્ટીમ, (એ.ટી.એ.સી.એમ.એસ) અંગે તો ભાત-ભાતની અટકળો થઈ રહી છે. કારણ કે તેમાં લાંબા અંતર સુધીની મારક ક્ષમતા છે. વાસ્તવમાં યુક્રેન ઘણા સમયથી તેનો ઉપયોગ રશિયામાં ૧૮૬ માઇલ સુધી અંદરની બાજુએ કરવા માંગે છે. જોકે હજી તે સ્પષ્ટ નથી થયું કે યુક્રેન મોકલનારી શસ્ત્ર ખેપમાં તે સામેલ કરાશે કે કેમ ?
ગંભીર બાબત તે છે કે, તેઓ યુક્રેનને એન્ટી પર્સનલ માઇન્સ (લેન્ડ માઇન્સ) આપવા માગે છે કે જેની ઉપર કોઈનો પગ પડે કે તે તુર્તજ ફૂટે આથી સૈનિકના ફુર્ચા ઉડી જાય. એન્ટી-ટેન્ક માઇન્સ હોય છે. જેની ઉપરથી ટેન્ક કે વાહન પ્રસાર થાય તો તેના ફુર્ચા ઉડી જાય.
માનવ અધિકાર સંસ્થાનું કહેવું છે કે, આ માઈન્સ પૈકી કેટલીયે યુદ્ધ પછી પણ જમીનમાં દટાયેલી પડી હોય છે તે પર કોઈ અજાણતાં ચાલે તો નિર્દોષ નાગરિક મરી જાય છે. માટે બાયડેનનું આ પગલું નિદંનીય બની રહે છે.
બીજી તરફ અમેરિકાની સરકારે તેને યુક્રેન માટે તત્કાળ જરૂરી કહ્યું છે સાથે તેમ પણ કહ્યું છે કે તે માઇન્સથી બચવા માટે સામાન્ય નાગરિકો અકારણ નુકસાનમાંથી બચવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે. તેટલું જ નહીં પરંતુ અમુક નિશ્ચિત સમય પછી તે માઇન્સ સ્વયમેય નિષ્ક્રિય થઈ જાય તેવી સંરચના કરવામાં આવી છે.
આશરે છેલ્લા ૩ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ૬૨૦ માઈલથી સીમા રેખા સળગી રહી છે. તેથી યુક્રેનના ભૌગોલિક વિસ્તારમાં રશિયન સૈનિકોને ઘૂસતા રોકવા માટે 'પર્સનલ લેન્ડ માઇન્સ'નો ઉપયોગ અનિવાર્ય બની રહ્યો છે, તેમ અમેરિકાનું કહેવું છે.