યુક્રેન પર બાયડેન મહેરબાન, જતાં જતાં અઢળક નાણા અને હથિયારો આપતા જશે
બાયડેન રાષ્ટ્રપ્રમુખને મળેલા વિશિષ્ટ પાવરનો ઉપયોગ કરી રહયા છે
ટેંક વિરોધી શસ્ત્રો, સુરંગો, ડ્રોન્સ, સ્ટિન્ગર મિસાઇલો અને રોકેટ સિસ્ટમ આપશે
વોશિંગ્ટન,૨૮ નવેમ્બર,2024,ગુરુવાર
તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાયડેનના પક્ષની હાર થઇ છે પરંતુ નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫માં સત્તા સંભાળવાના છે. જો બાયડેન પાસે પ્રમુખપદે રહેવા માટે હજુ પણ બે મહિના જેટલો સમયગાળો છે ત્યારે યુક્રેન પર નાણા અને હથિયારોની મદદ ચાલુ રાખી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જા બાયડેન પદ પરથી ઉતરે તે પહેલા યુક્રેનને ભરપૂર મદદ કરવા પ્રયાસ કરી રહયા છે. અમેરિકી અધિકારીઓએ આની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે બાયડેન યુક્રેનને ૭૨ કરોડ ડોલર અને શસ્ત્રો આપવા ઇચ્છે છે. અમેરિકાના શસ્ત્રગારમાં ટેંક વિરોધી શસ્ત્રો, બારુદી સુરંગો, ડ્રોન્સ, સ્ટિન્ગર મિસાઇલો અને હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ એમ્યુનિશન આપશે. એટલું જ નહી ગાઇડેડ મલ્ટિપલ લોંચ રોકેટ સિસ્ટમ માટે કલ્સ્ટર મ્યૂનિશન આપવાનું પણ આયોજન ધરાવે છે.
યુક્રેન માટે શસ્ત્રોના પેકેજનું નોટિફિકેશન ટુંક સમયમાં સંસદમાં મોકલવામાં આવે તેવી શકયતા છે. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાએ દાયકાઓથી ભુગર્ભ સુરંગને લગતી ટેકનિક કોઇ પણ દેશને આપી નથી. ભુગર્ભ સુરંગોનો ઉપયોગ ખૂબજ વિવાદિત અને નુકસાનકારક રહયો છે. સામાન્ય નિદોર્ષ નાગરિકો ભોગ બનતા હોવાથી અંદાજે ૧૬૦ થી વધુ દેશોએ આનો ઉપયોગ વિરોધની સંધી પર હસ્તાક્ષર કર્યા છે.
યુક્રેને રશિયન સેનાના હુમલા પછી અમેરિકા પાસે આ સુરંગોની માંગણી કરી હતી. યુક્રેનનો હેતું રશિયાના સૈનિકોને સરહદ પાસે જ અટકાવી દેવાનો રહયો છે. રશિયા વિરુધના યુધ્ધમાં જો બાયડેન યુક્રેનને મદદ માટે તેમને મળેલા વિશિષ્ટ પાવરનો ઉપયોગ કરી રહયા છે જેને પ્રેસિડેન્શિલ ડ્રો ડાઉન ઓથોરિટી (પીડીએ) કહેવામાં આવે છે.
અમેરિકા આપાતકાળ જેવી સ્થિતિમાં સાથી દેશોને મદદ માટે શસ્ત્રોનો સ્ટોક મોકલી શકે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે પહેલા ૧૨.૫ કરોડ થી માંડીને ૨૫ કરોડ ડોલરની મદદ કરતા હતા પરંતુ બાયડેન ૭૨ કરોડ ડોલરની મંજુરી આપી દીધી છે. બાયડેન એક માત્ર એવા પ્રમુખ જે પદ પર રહીને કોઇ પણ દેશને સૌથી આર્થિક અને શસ્ત્રોની મદદ કરવાનો રેકોર્ડ ધરાવે છે.