ટ્રમ્પની જીત પર કમલા હેરિસ-બાઈડેનનું પહેલું રિએક્શન, કેનેડાના પીએમ ટ્રુડો પણ ટેન્શનમાં
US Election Analysis: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે હાર સ્વીકારી લીધી છે. તેમણે શાંતિપૂર્ણ રીતે રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપવાની વાત કરી છે. ટ્રમ્પે આખરે મજબૂત વિજય હાંસલ કરતાં હેરિસને પરાજય આપી અમેરિકામાં સત્તા મેળવી લીધી છે. અગાઉ ટ્રમ્પે 2016માં હિલેરી ક્લિન્ટન સામે જીત મેળવી હતી, પરંતુ 2020માં જો બાઈડેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
કમલા હેરિસ શું બોલ્યાં?
હેરિસે વોશિંગ્ટનની હાર્વર્ડ યુનિવર્સિટીમાં કહ્યું કે હું ચૂંટણીના પરિણામો સ્વીકારું છું. હું આ ચૂંટણીને સ્વીકારું છું, પરંતુ તે યુદ્ધને નહીં જે આ અભિયાનને આગળ વધારી રહ્યું હતું. તેમણે સમર્થકોને કહ્યું કે આપણે ચૂંટણીના પરિણામો સ્વીકારવા જોઈએ. આજે મેં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી છે અને તેમને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે.
બાઈડેન શું બોલ્યાં?
હેરિસે કહ્યું, 'મેં તેમને એમ પણ કહ્યું હતું કે અમે શાંતિપૂર્ણ રીતે સત્તા હસ્તાંતરણ કરીશું અને સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.' પ્રમુખપદની ચૂંટણીના પરિણામો હેરિસ માટે ખૂબ જ નિરાશાજનક રહ્યા છે. જ્યારે બાઈડેને પણ ટ્રમ્પને ફોન કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી અને સત્તા હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે કરવા માટે આશ્વાસન આપ્યું હતું.
ટ્રુડો કેમ ટેન્શનમાં?
જોકે ડોનાલ્ડ ટ્રમ્પની જીતે વિશ્વના ઘણા દેશોમાં હલચલ મચાવી દીધી છે અને તેમાં કેનેડા પણ સામેલ છે. કેનેડાની હલચલનો અંદાજ તેના પીએમ જસ્ટિન ટ્રુડો અને ડેપ્યુટી પીએમ ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના નિવેદનો પરથી લગાવી શકાય છે. બંનેએ બુધવારે પોતાના દેશને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાથી કેનેડા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.