'અમે રોકાવાના નથી, જીતીને જ રહીશું...', હમાસ સામે યુદ્ધને એક વર્ષ પૂરું થતાં નેતન્યાહુનો હુંકાર
Israel Hamas War: હમાસે ગયા વર્ષે આ દિવસે એટલે કે 7મી ઑક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધને કે વર્ષ થયાના એક દિવસ પહેલા એટલે કે ગઈ કાલે વડા પ્રધાન નેતન્યાહુએ ફરી એકવાર હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
નેતન્યાહુએ ફરી પ્રતિજ્ઞા લીધી
આ પ્રતિજ્ઞા લેતાં નેતન્યાહુએ કહ્યું હતું કે, 'કોઈ અમને સમર્થન આપે કે ન આપે, અમે આ યુદ્ધ જીતીશું. દેશની સેનાએ ઑક્ટોબર 7ના હમાસના હુમલા પછીના આ વર્ષમાં સંપૂર્ણપણે વાસ્તવિકતા બદલી નાખી છે. જેના કારણે દેશ બે યુદ્ધો લડી રહ્યો છે.'
આ પણ વાંચો: ઈઝરાયલે તબાહી મચાવી છતાં લેબેનોનનું સૈન્ય કેમ બચાવવા ન આવ્યું, જાણો તેની પાછળનું રાજકારણ
નેતન્યાહુએ કહ્યું ઈઝરાયલ 'જીતશે'
પીએમ નેતન્યાહુએ સૈનિકોને કહ્યું કે, 'ઈઝરાયલ જીતશે કારણ કે તે ગાઝા પટ્ટી અને લેબનોન બન્ને જગ્યાએ આતંકવાદીઓ સામે લડી રહ્યા છે અને ઈરાન પર હુમલો કરવાની તૈયારીમાં છે. ઈઝરાયલના આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ હર્ઝી હલેવીએ આ પ્રસંગે કહ્યું કે એક વર્ષ બાદ અમે હમાસની સૈન્ય શાખાને હરાવ્યું છે.'
સમગ્ર વિશ્વમાં વાસ્તવિકતા બદલી નાખી છે
નેતન્યાહુએ પોતાના સંબોધનમાં કહ્યું, 'હું અહીં ઉત્તરી સરહદ પર IDF સૈનિકો સાથે છું. અહીંથી થોડાક મીટર દૂર, સરહદ પર, તમારા સાથી સૈનિકો હિઝબુલ્લાહે અમારા પર હુમલો કરવા માટે તૈયાર કરેલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. તમારા બધાના વખાણ થવા જોઈએ. તમે સાથી સૈનિકો સાથે ખરેખર અદ્ભુત કામ કરી રહ્યા છો.'
નેતન્યાહુએ પ્રથમ હુમલો યાદ કરતાં કહ્યું હતું કે, 'એક વર્ષ પહેલા આપણને એક ભયાનક ઝટકો લાગ્યો હતો. ત્યારથી લઈને 12 મહિનામાં અમે સમગ્ર વિશ્વમાં વાસ્તવિકતા બદલી નાખી છે. દુશ્મનો પર જે હુમલાઓ તમે કરી રહ્યા છો તેનાથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત છે. હું તમને વંદન કરું છું અને કહું છું - તમે વિજયની પેઢી (Generation of Victory) છો.'