જન્મજાત હાથ નહી હોવાથી પગ વડે વિમાન ચલાવે છે. વિશ્વની અનોખી મહિલા પાયલોટ
2008માં પાયલોટ તરીકેનું લાયસન્સ મેળવી લીધું હતું.
નૃત્યનો શોખ ધરાવે છે અને સ્વિમિંગ પણ કરી શકે છે
વોશિંગ્ટન,૧૮ જૂન,૨૦૨૪,મંગળવાર
કુદરત જયારે એક વસ્તુ છીનવી લે છે ત્યારે બીજી વિશેષતા પણ આપે છે જે અમેરિકાની મહિલા પાયલોટ જેસિકા કોકસ માટે સાચું સાબીત થયું છે. હાથ વિના જન્મ થયો તો પોતાના પગને જ હાથ બનાવી દીધા છે. નવાઇની વાત તો એ છે કે તે પગ વડે વિમાન ચલાવે છે. હાથ ના હોવા છતાં પાયલોટનું લાયસન્સ ધરાવતી એક માત્ર મહિલા છે. જો પ્રબળ ઇચ્છાશકિત અને આત્મવિશ્વાસ હોયતો ગમે તેવા પડકારોનો સામનો કરીને પણ આગળ વધી શકાય છે જે જેસિકા કોકસે સાબીત કર્યુ છે.જેસિકા પાયલોટ હોવાની સાથે માર્શલ આર્ટ બ્લેક બેલ્ટ મેળવનારી હાથ વગરની પ્રથમ મહિલા છે. ૪૧ વર્ષની જેસિકાએ ૨૦૦૪માં સૌ પ્રથમ હવાઇ જહાજ ઉડાડયું હતું. ૨૦૦૭માં પાયલોટ તરીકેનું લાયસન્સ મેળવી લીધું હતું.
વિમાન ચલાવતી અને માર્શલ આર્ટ કરતી જેસિકાના વીડિયો લોકોને પ્રેરણા આપી રહયા છે. સામાન્ય રીતે માણસ હાથ વડે કરી શકે તેવી તમામ પ્રકારની ક્રિયાઓ સરળતાથી કરી શકે છે. તે જન્મી ત્યાર પછી ૧૪ વર્ષ સુધી કૃત્રિમ હાથનો ઉપયોગ કરતી હતી પરંતુ ત્યાર બાદ કૃત્રિમ હાથ ફગાવીને પગને જ હાથ બનાવી દીધા છે. સાહસ અને બહાદૂરીના કાર્યો માટે ભૂજાઓ નહી પરંતુ મનોબળની જરુર પડે છે. પગ વડે જ વિમાન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે છે. લોકો હાથ નહી હોવાની કુદરતી ખામી ધરાવનારા પર દયાભાવ રાખતા હોય છે પરંતુ જેસિકાને કોઇની દયા કે લાગણીની જરુર પડતી નથી.
જેસિકાનો એક પ્રેરણાદાયી વીડિયો હાથ નથી ? કોઇ જ સમસ્યા નથી ? ને લાખો લોકોએ સોશિયલ મીડિયામાં જોયો છે. જેસિકા જાતે જ જમવાનું બનાવે છે. પગના અંગુઠા વડે જ તમામ વસ્તુઓ ઉપાડે છે. પુસ્તક વાંચી શકે છે અને કાગળ પર સરળતાથી લખે પણ છે. રોડ પર ગાડી લઇને નિકળી પડે છે, નૃત્યનો શોખ ધરાવે છે અને સ્વિમિંગ પણ કરી શકે છે. સ્વમિંગ માટે હાથ હલાવવા જરુરી બને છે પરંતુ જેસિકા હાથ વિના પણ સરળતાથી તરી શકે છે. કિવર્ડ પર પ્રતિ મીનિટ ૨૫ શબ્દોની ઝડપે ટાઇપ કરી શકાય છે. સ્કૂલમાં અભ્યાસ કરતી ત્યારે બાળકો ચિડવતા હતા પરંતુ પોતાની સમજદારી અને કોઠાસૂઝનો ઉપયોગ કરીને મુશ્કેલીઓ પાર કરતી રહી હતી.