પહેલા પિતાએ આપ્યો હતો આશરો, હવે પુત્ર બન્યો 'ઢાલ': ટ્રુડોએ કેનેડાને ખાલિસ્તાનીઓનો ગઢ બનાવી દીધું
Canada has become a refuge for Khalistanis : વર્ષ 1985માં કનિષ્ક પ્લેન બ્લાસ્ટનો આરોપી ખાલિસ્તાની આતંકવાદી તલવિંદર સિંહ પરમાર કેનેડામાં છુપાયેલો હતો. આ હુમલામાં વિમાનમાં બેઠેલા 329 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ભારતે કેનેડાને તલવિંદર સિંહને સોંપવા કહ્યું, પરંતુ કેનેડાએ ભારતની માંગને નકારી કાઢી અને ખાલિસ્તાની તલવિંદરને કેનેડામાં જ પનાહ આપી. કેનેડાના તત્કાલિન વડા પ્રધાન પિયર ઇલિયટ ટ્રુડો હતા. પિયર ઇલિયટ ટ્રુડો કેનેડાના વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પિતા છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો હાલમાં તો તેમના પિતા પિયર ઇલિયટ ટ્રુડોના પગલે ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી ટ્રુડોને શું મળશે? આંતરિક રાજકારણ અને ચૂંટણીમાં પરાજય જવાબદાર
કેમ ખાલિસ્તાનીઓનું આશ્રયસ્થાન બની ગયું છે કેનેડા
હાલમાં કેનેડા ખાલિસ્તાનીઓ માટે આશ્રયસ્થાન બની ગયું છે, તેની પાછળ ક્યાંકને ક્યાંક પીએમ જસ્ટિન ટ્રુડોના પિતા પિયર ટ્રુડોનો પણ હાથ છે. પિયર ટ્રુડો પણ ખાલિસ્તાનીઓને લઈને ભારતનો વિરોધ કરતા રહ્યા. જેના કારણે આજે ખાલિસ્તાનીઓ કેનેડાને તેમના માટે સૌથી સુરક્ષિત સ્થળ માને છે. અને એક વાત એ પણ છે કે, તેઓ જાણે છે કે, તેમના માટે કેનેડાના વડાપ્રધાન ભારત પર સીધો આરોપ પણ લગાવી શકે છે. હકીકતમાં કેનેડામાં રાજકારણથી લઈને વેપાર સુધી લગભગ દરેક ક્ષેત્રોમાં ખાલિસ્તાનીઓનો પ્રભાવ રહેલો છે. ત્યારે હવે કેનેડામાં ખાલિસ્તાનીઓનો પ્રભાવ વધી રહ્યો છે.
જસ્ટિન ટ્રુડોના પિતાએ ખાલિસ્તાનીઓને 'આશ્રય' આપ્યો હતો
વર્ષ 1985ની 23 જૂનના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ મોન્ટ્રીયલથી દિલ્હી આવી રહી હતી. એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના અડધા જ કલાક પછી જ વિમાનમાં વિસ્ફોટ થયો હતો. જેથી વિમાનમાં સવાર તમામ 329 લોકોના મોત થયા હતા. આ પ્લેન બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ ખાલિસ્તાની આતંકી તલવિંદર સિંહ પરમાર હતો. તે 1981માં કેનેડા ગયો હતો. ભારતે જ્યારે કેનેડાના તત્કાલિન વડા પ્રધાન પિયર ટ્રુડોને તલવિંદરને તેમને સોંપવા કહ્યું, ત્યારે ટ્રુડોએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, પિયર ટ્રુડોએ તલવિંદરના કેસમાં ભારત સરકારને કોઈપણ પ્રકારનો સહયોગ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલે આ હુમલાને લઈને એવી વાત પણ સામે આવી હતી કે, જો કેનેડા સરકાર ઈચ્છત તો તેને રોકી શકતી હતી. કેનેડાની ગુપ્તચર એજન્સીએ સરકારને માહિતી આપી હતી કે, ખાલિસ્તાનીઓ પ્લેનમાં બ્લાસ્ટ કરી શકે છે. આ વાત તત્કાલીન ભારતીય વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાએ સંસદમાં કહી હતી.
આ પણ વાંચો : ભારત સરકાર ખુદ કરાવશે પન્નુ કેસમાં અમેરિકન આરોપીની તપાસ, US જશે ભારતીય તપાસ કમિટી
ઈન્દિરા ગાંધીની હત્યા પર ખાલિસ્તાનીઓએ જશ્ન મનાવ્યું હતું
ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જ્યારે 1984માં હત્યા થઈ ત્યારે ખાલિસ્તાની આતંકવાદીઓએ કેનેડામાં પરેડ કરી હતી. આ અંગે ભારતે કેનેડા સરકાર સમક્ષ પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતે કહ્યું હતું કે, આવું ન થવું જોઈતું હતું અને જેમણે આ કર્યું છે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. પરંતુ અત્યાર સુધી કેનેડાના વડાપ્રધાને પરેડ કરનારા ખાલિસ્તાનીઓ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી અને મૌન ધારણ કરી લીધુ હતું.
ભારતે સોમવારે છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. તેમજ ઉચ્ચાયુક્ત રાજદ્વારીઓ અને અધિકારીઓને કેનેડામાંથી પરત બોલાવવાની જાહેરાત કરી દીધી છે. અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ સાથે ભારતીય રાજદ્વારીઓને જોડવાના કેનેડાના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢતા ભારતે આ કાર્યવાહી કરી છે.