ભારત વધારે ટેરિફ વસૂલે છે, ટ્રમ્પ મુદ્દો ઉઠાવશે: PM મોદીના પ્રવાસ પહેલા અમેરિકાનું મોટું નિવેદન
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત પહેલાં ટ્રમ્પ પ્રશાસન તરફથી ભારતની ચિંતા વધારનારું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પ પ્રશાસનમાં આર્થિક સલાહકાર કેવિન હૈસેટે કહ્યું કે, ભારતનું વધારે ટેરિફ લગાવવું આયાતમાં ખલેલ ઊભી કરે છે. ટૂંક સમયમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વૉશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પની મુલાકાત થશે અને બંને નેતાઓ વચ્ચે આ મામલે વાતચીત થશે.
અમેરિકા વધારશે ટેરિફ?
કેવિન હૈસેટે આ વિશે વધુ વાત કરતાં કહ્યું કે, 'જેટલો ટેક્સ બીજા દેશ અમેરિકાના સામન પર લગાવી રહ્યા છે, તેટલો જ ટેક્સ અમેરિકાએ પણ લગાવવો જોઈએ. જો કોઈ દેશ અમેરિકા પર વધારે ટેરિફ લગાવે છે તો અમેરિકાએ પણ કમસે કમ એટલો ટેરિફ તો લગાવવો જ જોઈએ. જે પણ અમેરિકાના વ્યાપારિક ભાગીદાર છે, તેમાંથી મોટાભાગના એવા છે જે વધારે ટેક્સ લગાવે છે. કેનેડા, મેક્સિકો અને બ્રિટન જેવા દેશ અમેરિકન સામાન પર અમેરિકા જેટલો જ ટેક્સ લગાવે છે તેમજ ભારત અને તાઇવાન જેવા દેશ તેનાથી પણ વધારે ટેરિફ લગાવે છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના આદેશથી અદાણી જૂથને રાહત: વિદેશમાં લાંચ-રુશ્વત વિરોધી કાયદો ખતમ
નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે ભારતને લઈને અમેરિકા તરફથી આવું નિવેદન સામે આવ્યું હોય. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી સમયથી જ કહી રહ્યા હતા કે, 'જે દેશ અમેરિકા પર વધારે ટેક્સ લગાવે છે, હું પણ તેમની સાથે એવું જ કરીશ. ટ્રમ્પ સતત ચીન અને ભારતને લઈને આવું કહેતા રહ્યા છે કે, આ દેશ અમેરિકન સામાન પર વધારે ટેરિફ લગાવે છે. જોકે, અમેરિકા આના બદલે આવું નથી કરતું'.
મોદી અને ટ્રમ્પની મુલાકાત દરમિયાન ટેરિફ પર થશે વાત?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પેરિસની મુલાકાતે છે. ત્યારબાદ મોદી સીધા અમેરિકા પહોંચશે. તેમનો અમેરિકા પ્રવાસ બે દિવસનો રહેશે, જ્યાં તે 12થી 14 ફેબ્રુઆરી સુધી રહેશે. આ દરમિયાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત થશે. તે અનેક બિઝનેસ લીડર્સ અને ભારતીય સંપ્રદાયના સભ્યો સાથે મુલાકાત કરશે.
આ પણ વાંચોઃ પેપર સ્ટ્રોની જગ્યાએ પ્લાસ્ટિક સ્ટ્રો, ટ્રમ્પના અજીબોગરીબ આદેશનો રોચક ઇતિહાસ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નેતાઓ વચ્ચે ટેરિફ, ચાબહાર પોર્ટ સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે. જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ સતત ટેરિફના મુદ્દે કડક વલણ અપનાવતા જોવા મળી રહ્યા છે, એવામાં બની શકે કે, વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની મુલાકાત બાદ કંઈક સકારાત્મક સંકેત જોવા મળી શકે.
ચૂંટણી સમયે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારવાની કરી હતી વાત
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા બાદથી જ ભારત અને ચીન સહિત અનેક દેશોને ટેરિફ વધારવાની ધમકી આપી રહ્યા છે. જોકે, હજુ સુધી તેમણે ભારત પર કોઈ મોટી એક્શન નથી લીધી જેની પાછળનું કારણ વ્યૂહનીતિ હોય શકે. પરંતુ, ટ્રમ્પે અનેકવાર કહ્યું છે કે, તે ભારત અને ચીન જેવા દેશો પર વધુ ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ કહ્યું હતું કે, 'ભારત અમારી ચીજવસ્તુઓ પર જો 100 ટકા ટેરિફ લગાવે છે તો શું અમારે તેની બદલે કંઈ ન કરવું જોઈએ? ભારત અમને સાઇકલ મોકલે છે, અમે તેને સાઇકલ મોકલીએ છીએ. પરંતુ, ભારત અમારા સામાન પર 100 થી 200 ટકા સુધી ભારે ટેરિફ લગાવે છે. જે દેશ અમેરિકા સાથે જેવું કરશે, અમે પણ તેમની સાથે આવું જ કરીશું'. ભારત સહિત અન્ય દેશો માટે ટ્રમ્પનો આ દૃષ્ટિકોણ તેમની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ સાથે જોડાયેલું છે. આ નીતિ દ્વારા ટ્રમ્પનું લક્ષ્ય અમેરિકન વર્કર્સ અને તેમના પરિવારનો બચાવ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ કહ્યું કે, અમારી નીતિ એકવાર ફરી અમેરિકાને 'મેન્યુફેક્ચરિંગ નેશન' બનાવી દેશે.