UKની 333 વર્ષ જૂની બેંક છટણી કરવાની તૈયારીમાં! 2 હજાર કર્મચારીઓ પર લટકતી તલવાર
માહિતી મુજબ બેંક તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે છટણીનો વિકલ્પ અપનાવી શકે
Barclays Bank Layoffs : યુકેની 333 વર્ષ જૂની બેંક મોટા પાયે છટણીની તૈયારી કરી રહી છે અને મળતી માહિતી મુજબ બેંક તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.
ખર્ચમાં ઘટાડો કરવા માટે છટણીની તૈયારી
યુકેની બહુરાષ્ટ્રીય બાર્કલેઝ બેંક તેના 1 અબજ પાઉન્ડ અથવા 1.25 અબજ ડૉલરના ખર્ચમાં ઘટાડો કરવા માટે ઓછામાં ઓછા 2 હજાર કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આ બાબતે માહિતી આપતા બાર્કલેઝ બેંકના CEO સી.એસ. વેંકટક્રિષ્નને કહ્યું હતું કે બેંક આગામી દિવસોમાં ખર્ચ ઘટાડવાની યોજના બનાવી રહી છે. આ કાપની અસર BX તરીકે ઓળખાતી બાર્કલેઝ એક્ઝિક્યુશન સર્વિસિસમાં કામ કરતા કર્મચારીઓ પર સૌથી વધુ પડશે.
શું ભારતીય કર્મચારીઓને થશે અસર?
બાર્કલેઝ બેંકમાં મોટા પાયે છટણીના સમાચારથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તેની અસર ભારતમાં કામ કરતા કર્મચારીઓ પર પડશે? એક અહેવાલ અનુસાર બાર્કલેઝ બેંકની આ છટણી મુખ્યત્વે બ્રિટિશ બેંક ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને અસર કરશે. બેંકના મેનેજર સમીક્ષાના કામમાં વ્યસ્ત છે અને જો કંપની તેની યોજના પર આગળ વધે છે તો ઓછામાં ઓછા 1500થી 2 હજાર કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે.
બેંકમાં 81 હજારથી વધુ કર્મચારીઓ
બેંક લાંબા ગાળાના રિટેલ અને રોકાણ ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે છટણીનો વિકલ્પ પણ અપનાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બહુરાષ્ટ્રીય બાર્કલેઝ બેંક વિશ્વની 10મી સૌથી મોટી બેંક છે અને તેના 81 હજારથી વધુ કર્મચારીઓ છે. આ બેંકની સ્થાપના 333 વર્ષ પહેલા 1690માં થઈ હતી.