Get The App

BAPS હિંદુ મંદિર, અબુ ધાબી ખાતે ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં હજારો ભક્તો ઉલ્લાસભેર જોડાયા

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહંતસ્વામી મહારાજ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
BAPS હિંદુ મંદિર, અબુ ધાબી ખાતે ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં હજારો ભક્તો ઉલ્લાસભેર જોડાયા 1 - image


BAPS Hindu Mandir Abu Dhabi: UAEના પ્રથમ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરનું 14 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ નિમિત્તે 'ફેસ્ટિવલ ઓફ હાર્મની' અંતર્ગત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વભરમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે 980 કરતાં વધુ ભક્તો ભાવિકો વૈદિક ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં જોડાયા હતા. 

BAPS હિંદુ મંદિર, અબુ ધાબી ખાતે ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં હજારો ભક્તો ઉલ્લાસભેર જોડાયા 2 - image

યજ્ઞમાં અનેક મહાનુભાવો જોડાયા હતા

પ્રાચીન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યજ્ઞવિધિને શક્તિશાળી ભક્તિ અર્ધ્ય ગણવામાં આવે છે.  મધ્ય પૂર્વના દેશોમાં સૌપ્રથમ કહી શકાય તેવા આ યજ્ઞમાં મહાનુભાવો, આધ્યાત્મિક ગુરુઓ અને સ્થાનિક કોમ્યુનિટીના અગ્રણીઓએ જોડાયા હતા અને UAE અને સમગ્ર વિશ્વમાં સૌની શાંતિ અને સફળતા માટે પ્રાર્થના કરી હતી.

200 જેટલાં સ્વયંસેવકો યજ્ઞવિધિનું સંચાલન કર્યું

ભક્તો-ભાવિકો યજ્ઞ વિધિ પ્રસંગે યજમાન પદે માંગલિક વસ્ત્રોમાં સજ્જ થયા હતા. ભારતથી પધારેલા સાત પુજારીઓએ આ યજ્ઞમાં પ્રાચીન વૈદિક વિધિ વિધાન દ્વારા સર્વે યજમાનોને આહુતિ અને વેદમંત્રો દ્વારા પવિત્ર વિચારો અને સદગુણી જીવન માટે પ્રતિબદ્ધ કર્યા હતા અને અનોખા ઐતિહાસિક વાતાવરણનું સર્જન થયું હતું.પૂજારીઓની સાથે 200 જેટલાં સ્વયંસેવકો યજ્ઞવિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા. 

BAPS હિંદુ મંદિર, અબુ ધાબી ખાતે ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં હજારો ભક્તો ઉલ્લાસભેર જોડાયા 3 - image

વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ

યજ્ઞની પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે. યજ્ઞ દરમિયાન વરસી રહેલાં વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી, ખાસ આ યજ્ઞમાં સંમિલિત થવા લંડનથી પધારેલા હરિભક્ત જયશ્રી ઇનામદારે જણાવ્યું, "વરસાદે આ કાર્યક્રમને વધારે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધો છે. વરસાદમાં પણ યજ્ઞ વણથંભ્યો ચાલી રહ્યો હોય, તેવું મેં પહેલી વાર જોયું. વાતાવરણ જાણે વધુ માંગલિક બની ગયું હોય તેવું અનુભવાયું.'

 ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત ઉજવાનાર કાર્યક્રમની રૂપરેખા 

•14મી ફેબ્રુઆરી 2024, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અબુ ધાબી સમય પ્રમાણે સવારે 7:15 થી 8:15 (ભારતીય સમય પ્રમાણે સવારે 9:15થી 10:15), મંદિર લોકાર્પણ સમારોહ, સાંજે 4:30થી 8:20 (ભારતીય સમય પ્રમાણે સાંજે 6થી 9:50)

•15મી ફેબ્રુઆરી 2024, સંધ્યા કાર્યક્રમ સભા: સંવાદિતા દિન, સમય સાંજે 6થી 8 (ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30થી 9:30)

•16મી ફેબ્રુઆરી 2024, સંધ્યા કાર્યક્રમ સભા: સભ્યતા દિન, સમય સાંજે 6થી 8 (ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30થી 9:30)

•17મી ફેબ્રુઆરી 2024, સંધ્યા કાર્યક્રમ સભા: શાંતિ દિન, સમય સાંજે 6થી 8 (ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30થી 9:30)

•18મી ફેબ્રુઆરી 2024, મંદિર નોંધાયેલા મુલાકાતીઓ માટે સવારે 9થી 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. (ભારતીય સમય પ્રમાણે સવારે 10:30થી 1:30) સંધ્યા કાર્યક્રમ સભા: કૃતજ્ઞતા દિન, સમય સાંજે 6થી 8 (ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

•19મી ફેબ્રુઆરી 2024, સંધ્યા કાર્યક્રમ સભા: મૂલ્યોનો દિન, સમય સાંજે 6થી 8 (ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

•20મી ફેબ્રુઆરી 2024, કીર્તન આરાધના, સમય સાંજે 6થી 8 (ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

•21મી ફેબ્રુઆરી, પ્રેરણા દિન-મહિલા સભા, સમય સાંજે 6થી 8 (ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ live.baps.org પર કરવામાં આવશે. 


Google NewsGoogle News