યુનુસના મંત્રી ભાન ભૂલ્યા! ભારતના ત્રણ રાજ્યને ગણાવ્યા બાંગ્લાદેશનો ભાગ, બાદમાં પોસ્ટ કરી ડિલીટ
Mahfuz Alam : શેખ હસીનાનો સત્તાપલટો થયા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી હાલની બાંગ્લાદેશની સરકારના મંત્રીઓ અવારનવાર ભારત વિરોધી વાણીવિલાસ કરતાં હોય છે. તાજેતરમાં યુનુસ સરકારના એક મંત્રીએ ભારત પર કબજો કરવાની ધમકી પણ આપી હતી. હકીકતમાં યુનુસ સરકારમાં સલાહકાર તરીકે કામ કરનાર મહફૂઝ આલમે સોશિયલ મીડિયા પર એક નકશો રજૂ કર્યો હતો. જેમાં ભારતના બંગાળ, આસામ અને ત્રિપુરા રાજ્યને બાંગ્લાદેશનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં વિજય દિવસના અવસર પર કરવામાં આવેલી આ પોસ્ટ દ્વારા આ મંત્રીએ ભારતના આ ભાગો પર કબજો કરવાની ધમકી આપી હતી. પછી ભારતીય યુઝર્સે આ મંત્રીને ઉધડો લીધો હતો. આ પછી મંત્રીએ પોતે જ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં ભારત 16 ડિસેમ્બરના રોજ વિજય દિવસ ઉજવે છે. કારણ કે આ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું હતું અને જેનાથી બાંગ્લાદેશ નામનો નવા દેશનો જન્મ થયો હતો. પરંતુ કટ્ટરપંથી મહફૂઝ આલમે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા પૂર્વોત્તર અને ઉત્તર ભારતના લોકો વચ્ચે સાંસ્કૃતિક મતભેદો ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પછી તેણે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવતો વિવાદાસ્પદ નકશો પણ શેર કર્યો હતો. જો કે, વ્યાપક વિરોધ થયા બાદ તેણે પોસ્ટ હટાવી દીધી હતી.
શું પોસ્ટ કરી હતી મહફૂઝ આલમે?
પોતાની પોસ્ટમાં મહફૂઝ આલમે લખ્યું હતું કે, ઉત્તર-પૂર્વ ભારત અને બાંગ્લાદેશની સંસ્કૃતિ અને ધાર્મિક વિવિધતાઓ એક સમાન છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, પૂર્વ પાકિસ્તાનનું નિર્માણ ઉચ્ચ જાતિના હિંદુઓ અને હિંદુ ઉગ્રવાદીઓના બંગાળ વિરોધી વલણનું પરિણામ હતું. ભારતથી સાચી સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે આપણે 1975 અને 2024નું પુનરાવર્તન કરવાની જરૂર છે.
આ માત્ર શરુઆત છે, અંત નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના સંસ્થાપક નેતા શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારના 18 સભ્યોની 1975માં હત્યા કરવામાં આવી હતી. વર્ષ 2024માં તેમની પુત્રી શેખ હસીનાને બળવાખોરોએ અલોક તાંત્રિક માધ્યમથી વડાપ્રધાન પદેથી હટાવી દીધા હતા. ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ કરતાં આલમે કહ્યું, 'આ બંને ઘટનાઓ વચ્ચે 50 વર્ષનું અંતર છે, પરંતુ હજુ પણ કંઈ બદલાયું નથી. આપણને હવે નવા ભૂગોળ અને વ્યવસ્થાની જરૂર છે. નાનું અને જમીનથી ઘેરાયેલું બાંગ્લાદેશ ક્યારેય સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકશે નહીં. આજે બાંગ્લાદેશ 2024ના શહીદોના બલિદાન દ્વારા મુક્તિની માંગ કરી રહ્યું છે અને આ માત્ર શરુઆત છે અંત નથી. બળવાખોરો સમજે છે કે તેમની લડાઈ હજુ પૂરી થઈ નથી.'
ભારતીય યુઝર્સે આલમને ઉધડો લીધો
જો કે મહફૂઝ આલમે પછી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. પરંતુ ભારતીય યુઝર્સે તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. એક યુઝરે લખ્યું કે, ભારતે હવે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે મહફૂઝ આલમના આ કૃત્ય બાદ તે બાંગ્લાદેશમાં સુરક્ષિત ન રહી શકે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, આ ભારતની સંપ્રભુતા પર હુમલો છે, ભારતે તરત જ રાજદ્વારી અને સૈન્ય બંને રીતે હુમલો કરવો જોઈએ અને મહફૂઝ આલમની ધરપકડ કરવા બાંગ્લાદેશ પર દબાણ કરવું જોઈએ.