મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના નવા વડાપ્રધાન બનવાની પ્રબળ સંભાવના, ભારતના નિવેદનથી થયા હતા દુઃખી
Bangladesh New PM : બાંગ્લાદેશમાં આરક્ષણના મુદ્દે શરૂ થયેલા વિવાદ વચ્ચે વડાંપ્રધાન શેખ હસીના (PM Sheikh Hasina)એ પીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. બાંગ્લાદેશના આર્મી ચીફે પણ આ અંગે જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘આજની રાત સુધીમાં બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાને સંભાળવા માટે વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. હાલ માટે સેના દેશની કાયદો અને વ્યવસ્થા સંભાળશે.’
બાંગ્લાદેશમાં કોણ સંભાળશે વચગાળાની સરકાર, નામ આવ્યું સામે
મળતા અહેવાલો મુજબ, નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ (Muhammad Yunus) દેશની વચગાળાની સરકારનો પીએમ ચહેરો બની શકે છે. એટલે કે મોહમ્મદ યુનુસ દેશના નવા વડાપ્રધાન બની શકે છે. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને ઢાકામાં જાહેરાત કરી હતી કે, હવે વચગાળાની સરકાર ચાર્જ સંભાળશે. હાલમાં મોહમ્મદ યુનુસના નામને લઈને સર્વસંમતિ હોવાનું જણાય છે. સલીમુલ્લા ખાન અને આસિફ નઝરુલ દેશમાં વચગાળાની સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે. બાંગ્લાદેશમાં આજે જ વચગાળાની સરકાર રચાઈ રહી છે. વચગાળાની સરકારમાં 18 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. પત્રકારો, વકીલો અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિંસાને લઈ વડાપ્રધાન મોદીની હાઈલેવલની બેઠક, શેખ હસીના હાલ સેફ હાઉસમાં
મોહમ્મદ યુનુસે ભારતના નિવેદનથી દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ પહેલા મોહમ્મદ યુનુસે ભારતે હિંસા અંગે આપેલા નિવેદનથી દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે બાંગ્લાદેશમાં ગયા મહિને હિંસા થઈ હતી, ત્યારે ભારતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘અમે આને બાંગ્લાદેશની ઘરેલું મામલો માનીએ છીએ.’ આથી યૂનુસે ભારતની પ્રતિક્રિયા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'જ્યારે ભારત કહે છે કે આ ઘરેલું મામલો છે ત્યારે મને દુઃખ થાય છે. જો તમારા ભાઈના ઘરમાં આગ લાગી હોય, તો તમે તેને ઘરેલું બાબત કેવી રીતે કહી શકો?'
કોણ છે નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસ?
યૂનુસે 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા માટે લોન આપવામાં આવતી હતી. જેથી બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય. યૂનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જયારે શેખ હસીનાએ યૂનુસ પર ગરીબોનું લોહી ચૂસવાનો આરોપ લગાવ્યો છે, તેમજ તેમનું કહેવું છે કે યૂનુસે શરૂ કરેલી ગ્રામીણ બેંકો ગરીબો પાસેથી વધુ પડતું વ્યાજ વસૂલે છે. આથી તાજેતરમાં યૂનુસ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : શેખ હસીનાના પિતા સહિત 18ની થઈ હતી હત્યા, ત્યારે ઇન્દિરા ગાંધીએ ભારતમાં આશરો આપ્યો હતો