બાંગ્લાદેશમાં આખરે હિન્દુઓની ધીરજ ખૂટી! અત્યાચારથી કંટાળેલા હજારો લોકો માર્ગો પર ઊતર્યા
Bangladesh Hindu Protest Rally | બાંગ્લાદેશમાં જ્યારથી શેખ હસીનાનો સત્તાપલટો થયો છે ત્યારથી હિન્દુઓ પર અત્યાચારના અહેવાલો પણ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન શુક્રવારે હજારો લઘુમતી હિંદુઓએ આખરે માર્ગો પર ઊતરી હુમલા અને ઉત્પીડનનો વિરોધ કર્યો હતો.
હિન્દુઓએ યોજી મોટી રેલી
હિન્દુઓએ મોટી રેલી યોજીને વચગાળાની સરકાર પાસે સુરક્ષા આપવાની માગ કરી હતી અને કહ્યું હતું કે હિંદુ સમુદાયના નેતાઓ સામેના રાજદ્રોહના કેસો પાછા ખેંચવામાં આવે. ઉલ્લેખનીય છે કે બુધવારે ચટ્ટોગ્રામમાં 19 હિંદુ નેતાઓ પર રાજદ્રોહના આરોપો દાખલ કરવામાં આવ્યા બાદ આ દેખાવોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે પણ વધુ એક રેલી યોજાશે
બીજી બાજુ શનિવારે ઢાકામાં હિન્દુઓ દ્વારા આજે બીજી મોટી રેલી યોજવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે યોજાયેલી રેલીમાં લગભગ 30,000 હિંદુઓએ દક્ષિણ-પૂર્વના શહેર ચટ્ટોગ્રામના એક મુખ્ય ચારરસ્તા પર મોટાપાયે દેખાવો કર્યા હતા. આ જ રીતે દેશના અન્ય ભાગોમાં પણ દેખાવો કરાયા હતા.
હિન્દુઓ પર 2000થી વધુ હુમલા થયા
દેશના પ્રભાવશાળી લઘુમતી જૂથ બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સિલે કહ્યું છે કે 4 ઓગસ્ટથી અત્યાર સુધીમાં હિંદુઓ પર 2,000થી વધુ હુમલા થયા છે. ઢાકામાં ગુરુવારે રાત્રે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના સહયોગી અવામી લીગના કેન્દ્રીય કાર્યાલયને આગ ચાંપવામાં આવી હતી.