જેમણે દેશની રચના કરી એમના જ ઘર પર બુલડોઝર ફરી વળ્યું, બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાઈ
Sheikh Mujibur Rahman House Bulldozer Action: બાંગ્લાદેના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઘર પર જ હવે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. એક દિવસ પહેલા જ અહીં તોડફોડ અને આગજનીની ઘટના બની હતી. માહિતી મળી રહી છે કે, ઘટના સ્થળ પર એક પેલેસ્ટિનિયન ઝંડો પણ દેખાયો હતો. ખાસ વાત એ છે કે સોશિયલ મીડિયા પર પહેલા જ 'બુલડોઝર જૂલુસ'ની અપીલ કરવામાં આવી રહી હતી. આ બધું ત્યારે થયું જ્યારે શેખ હસીના લોકોને સંબોધવાની તૈયારી કરી રહ્યા હતા.
ગુસ્સે ભરાયેલી ભીડે ધાનમંડી વિસ્તારમાં શેખ મુજીબુર રહેમાનના સ્મારક અને આવાસ પર ખૂબ તોડફોડ કરી હતી. આ સાથે જ ઘરમાં આગ ચાંપી દેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે ગુરુવારે સવારે શેખના નિવાસસ્થાન પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્થળ પર એક યુવાન પેલેસ્ટાઈનનો ઝંડો લહેરાવતો જોવા મળ્યો હતો. ભીડ શેખ રહેમાન દ્વારા રચાયેલી અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહી છે.
તોડફોડ અને આગજની
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, રાજધાનીના ધાનમંડી વિસ્તારમાં સ્થિત ઘરની સામે હજારો લોકો સાંજથી જ એકઠા થઈ ગયા હતા. આ ઘરને અગાઉ સ્મારક સંગ્રહાલયમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર 'બુલડોઝર જૂલુસ'નું આહ્વાન કરવામાં આવ્યું હતું, કારણ કે, સ્થાનિક સમય મુજબ રાત્રે 9:00 વાગ્યે શેખ હસીના લોકોને સંબોધિત કરવાના હતા.
હસીનાનું સંબોધન આવીમી લીગની હવે વિસર્જન થઈ ચૂકેલી વિદ્યાર્થી વીંગ લીગ દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં પૂર્વ વડા પ્રધાને દેશવાસીઓને વર્તમાન શાસન સામે સંગઠિત પ્રતિરોધ શરુ કરવાનું આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો: અમેરિકા યાત્રા પહેલાં ટ્રમ્પને 'ગમતો' નિર્ણય લઈ શકે છે PM મોદી! લોકો પર થશે સીધી અસર
હસીનાએ સ્પષ્ટ રૂપે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની સરકાર તરફ ઇશારો કરતાં કહ્યું કે, 'તેમનામાં હજુ પણ એટલી તાકાત નથી કે રાષ્ટ્રધ્વજ, બંધારણ અને સ્વતંત્રતાને બુલડોઝરથી નષ્ટ કરી શકે, જેને આપણે લાખો શહીદોના જીવનના ભોગે મેળવી છે. તેઓ ઇમારત ધ્વસ્ત કરી શકે છે, પણ ઇતિહાસ નહીં... પરંતુ તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇહાસ તેનો બદલો લે છે.'