બાંગ્લાદેશ : શેખ હસીના સતત પાંચમી વખત ફરી ચૂંટાઈ ઈતિહાસ સર્જી રહ્યાં છે
- એવું લાગે છે કે, હિન્દુઓએ ''એન-બ્લોક'' હસીનાને મત આપ્યા
- 299ની ''લોકસભા''માં હસીનાના પક્ષ ''આવામી-લીગ''ને 216 બેઠકો મળી, ૫૨ અપક્ષોને અને જાતીય પાર્ટીને 11 બેઠકો
ઢાકા : બંગ-બંધુ શેખ મુજબ-ઉર્-રહેમાનનાં પુત્રી, શેખ હસીનાના પક્ષ આવામી લીગને દેશની લોકસભામાં ૨૯૯ બેઠકોમાંથી ૨૧૬ બેઠકો મળતાં, શેખ હસીના બાંગ્લાદેશનાં પાંચમી વખત વડાપ્રધાન બનશે તે નિશ્ચિત થઈ ગયું છે.
રવિવારે દેશમાં મતદાન સંપન્ન થયું હતું અને મત ગણતરી આજે (સોમવારે) વહેલી સવારથી જ શરૂ થતાં પહેલા જ રાઉન્ડની ૨૨૪ બેઠકોની ગણતરી પૂરી થઈ ત્યાં સુધીમાં જ શેખ હસીનાના પક્ષને ૨૧૬ બેઠકો મળી ગઈ હતી. મત ગણતરી લગભગ પૂરી થવા આવી ત્યાં સુધીમાં અપક્ષોને ૫૨ બેઠકો મળી હતી જ્યારે બાંગ્લાદેશ જાતીય પાર્ટીને ૧૧ બેઠકો મળી હતી. જોકે હજુ ૨૦ બેઠકોની મતગણતરી બાકી હોવાથી દેશનાં ચૂંટણી પંચે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી ન હતી. પરંતુ સતત પાંચમી વખત ચૂંટાઈ આવ્યાં હોવાથી શેખ હસીના સૌથી લાંબા સમય સુધી સત્તારૂઢ રહેનારાં બની રહેતાં. મહિલા વડાપ્રધાન તરીકેનો વિક્રમ સર્જી દેશે. આ પૂર્વે જર્મનીનાં વડાપ્રધાન તરીકે સતત ૪ વખત ચૂંટાઈ એન્જિલા માર્કેલ એ એક વિક્રમ સર્જ્યો હતો.
શેખ હસીનાનાં વિજયનું એક કારણ દર્શાવતાં નિરીક્ષકો કહે છે કે, બાંગ્લાદેશમાં વસતા હિન્દૂઓએ તેઓની સાથે રખાયેલ સુલુકી ભર્યા વર્તન અને ભારત સાથેની શેખ હસીનાની નિકટતાને લીધે મોટાભાગના લગભગ તમામ હિન્દૂઓએ આવામી લીગને એન-બ્લોક વોટિંગ કર્યું હશે. તેથી હસીનાનો આટલો ભવ્ય વિજય થયો છે.
આશ્ચર્ય તો તે છે કે, આવામી લીગના કટ્ટર વિરોધી પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)નાં નેતા ખાલીદા ઝીયાનાં હડતાલનાં એલાન વચ્ચે અને તેમના અનુયાયીઓ તથા અન્ય તોફાનીઓના તોફાનો છતાં પણ રવિવારે મતદાન છૂટા છવાયા બનાવો સિવાય એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું.
આ ચૂંટણી પરિણામો પછી પોતાના પક્ષના કાર્યકરો અને સમર્થકોને વિજય યાત્રાઓ નહીં યોજવા શેખ હસીનાએ સ્પષ્ટ આદેશ આપી દીધો હતો.
બાંગ્લાદેશની આ ૧૨મી સામાન્ય ચૂંટણીઓ હતી. જેમાં શેખ હસીનાની પાર્ટી સતત ચોથી વખત બહુમતી મેળવતાં શેખ હસીના પાંચમી વખત દેશનાં વડાપ્રધાન બની રહેશે.
વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)નાં નેતા અને પૂર્વ વડા પ્રધાન ખાલીદા ઝીયાને ભ્રષ્ટાચારના આરોપસર ચૂંટણી પહેલાં જ નજર કેદ કરાયાં હતાં. પરિણામે તેઓના પક્ષે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. વાસ્તવમાં ખાલીદા ઝીયાની તે જીદ હતી કે ચૂંટણી સંપૂર્ણ તટસ્થતાથી યોજાઈ શકે તે માટે શેખ હસીનાએ પદત્યાગ કરી દેવો જોઈએ. આ અસ્વીકાર્ય માગણી હતી. તેથી તે સહજ રીતે જ સ્વીકારાઈ નહીં. તેથી બી.એન.પી.નાં કાર્યકરો અને સમર્થકો તોફાને ચઢ્યા હતા. પરિણામે છેવટે ખાલીદા ઝીયાને નજરકેદ કરવા પડયાં હતાં. આથી તોફાનો વધુ વિફર્યા, છતાં મતદાનનો દિવસ એકંદરે શાંતિપૂર્ણ રહ્યો હતો.
આ ચૂંટણીમાં મતદાન પરિણામે ઘણું મંદ રહ્યું હતું. મુખ્ય ચૂંટણી કમીશનર કાઝી હબીબ-ઉલ્-અવ્વલના જણાવ્યા પ્રમાણે રવિવાર સાંજ સુધીમાં કુલ ૪૦ ટકા જેટલું જ મતદાન થયું હતું.
એકદંરે ચૂંટણી શાંત રહી હતી પરંતુ ચૂંટણી પહેલાં ૧૮ સ્થળોએ આગજનીના બનાવો બન્યા હતા. તોફાનોને લીધે ૪નાં મૃત્યુ થયાં હતાં. આ માટે સત્તાધીશો મહદ્અંશે બી.એન.પી.ને જ જવાબદાર ગણે છે.