બાંગ્લાદેશમાં યુનુસનું જ રહેશે રાજ? શેખ હસીના ભારતમાં, ત્યાં અચાનક લંડન પહોંચ્યા ખાલિદા ઝિયા
Bangladesh Politics: બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ ખાલિદા ઝિયા લંડન પહોંચ્યા હતા. જ્યાં તે હીથ્રો એરપોર્ટ પર સાત વર્ષ પછી તેમના પુત્ર તારિક રહેમાનને મળ્યા હતા. નોંધનીય છે કે, 79 વર્ષીય ખાલિદા ઝિયા કતારની રોયલ એર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લંડન પહોંચી હતા. હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયા ક્યારે પાર્ટીનું નેતૃત્વ કરવા પાછા ફરશે? પ્રશ્ન એ છે કે શું બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ તેમને પાછા ફરવાની મંજૂરી આપશે?
અહેવાલો અનુસાર, બીએનપી સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ડૉ. મોશરફ હુસૈને જણાવ્યું હતું કે, 'અમને આશા છે કે ખાલિદા ઝિયા સ્વસ્થ થયા પછી દેશનું નેતૃત્વ કરવા પાછા ફરશે.' આ દરમિયાન બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની ચર્ચા કરવી પણ મહત્ત્વપૂર્ણ છે. ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન થયા ત્યારથી શેખ હસીના ભારતમાં છે. બાંગ્લાદેશની યુનુસ સરકાર ભારત પાસેથી તેમના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે પરંતુ તાજેતરમાં શેખ હસીનાના વિઝાની માન્યતા લંબાવીને, ભારતે બાંગ્લાદેશને સંદેશ આપ્યો છે કે ભારતનો હાલમાં આવો કોઈ ઇરાદો નથી.
પૂર્વ પીએમ શેખ હસીનાનો પાસપોર્ટ રદ
મોહમ્મદ યુનુસે શેખ હસીનાનો પાસપોર્ટ પણ રદ કરી દીધો છે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગના બીજા ક્રમના નેતાઓ પણ સરકારી કાર્યવાહીના ડરથી બાંગ્લાદેશમાં નથી. યુનુસના વહીવટીતંત્રે પૂર્વવડાંપ્રધાન અને તેમના વહીવટના વરિષ્ઠ અધિકારીઓ સામે ધરપકડ વોરંટ જારી કર્યા છે.
બે નેતાઓ, ખાલિદા ઝિયા અને શેખ હસીના, જેમણે ઘણાં દાયકાઓ સુધી બાંગ્લાદેશના રાજકારણ પર પ્રભુત્વ જમાવ્યું હતું, તેઓ સક્રિય રાજકારણથી બહાર છે. અહીં, મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં નવી ચૂંટણીઓની ચર્ચા પણ નથી કરી રહ્યા.
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની કમાન સોંપવામાં આવી હતી, ત્યારે તેમણે વચન આપ્યું હતું કે ત્રણ મહિનામાં ચૂંટણી કરાવશે. તેમનો કાર્યકાળ નવેમ્બરમાં જ સમાપ્ત થઈ ગયો. ગયા વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું હતું કે, 'દેશમાં ચૂંટણી 2025ના અંતમાં અથવા 2026ના પહેલા ભાગમાં યોજાઈ શકે છે.' આ દરમિયાન ખાલિદા ઝિયાના લંડન જવાને શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે યુનુસ સરકારે શેખ હસીના સરકારે ખાલિદા ઝિયા પર લગાવેલા તમામ આરોપો પાછા ખેંચી લીધા હતા. આ પછી તે દેશ છોડીને લંડન પહોંચ્યા છે.