અનામતના વિરોધમાં હિંસા, 105ના મોત: બાંગ્લાદેશથી પરત ફર્યા ભારતના 1000 વિદ્યાર્થીઓ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
અનામતના વિરોધમાં હિંસા, 105ના મોત: બાંગ્લાદેશથી પરત ફર્યા ભારતના 1000 વિદ્યાર્થીઓ 1 - image


Image Source: Twitter

Bangladesh Reservation  Protests: બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસ અને સુરક્ષા અધિકારીઓ દ્વારા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાથી 105 લોકોના મોત થઈ ગયા છે. આ લોકો નોકરીઓમાં અનામત પુનઃસ્થાપિત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

પોલીસ દ્વારા કડક કર્ફ્યુ લાદવામાં આવ્યો

બાંગ્લાદેશમાં પોલીસે કડક કર્ફ્યુ લગાવ્યો છે અને લશ્કરી દળોએ શનિવારે રાજધાનીના અનેક હિસ્સામાં પેટ્રોલિંગ કર્યું. જાહેર મેળાવડા પર પ્રતિબંધ છતાં રસ્તા પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. 

શુક્રવારે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અંગે અલગ-અલગ રિપોર્ટ છે. એક રિપોર્ટમાં 43 લોકોના મૃત્યુ થવાની પુષ્ટિ કરી છે તો અન્ય એક રિપોર્ટમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 23 લોકોના મૃતદેહ જોયા હોવાનો દાવો કરાયો છે પરંતુ હજુ સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો.

અઠવાડિયા પહેલા શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં હિંસા ભડકી ગઈ છે. ઢાકા અને અન્ય શહેરોમાં રસ્તાઓ અને યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાની માહિતી સામે આવી છે. 

અધિકારીઓએ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવીને ઓનલાઈન કોમ્યુનિકેશનને અવરોધિત કરવાનું પગલું ભર્યું છે. કેટલીક ટેલિવિઝન સમાચાર ચેનલ પણ બંધ થઈ ગઈ છે અને મોટાભાગના બાંગ્લાદેશી સમાચાર પત્રોની વેબસાઈટ લોડ નહોતી થઈ રહી અથવા તો અપડેટ નહોતી થઈ રહી. 

અનેક ભારતના વિદ્યાર્થીઓ પરત ફર્યા

વિદ્યાર્થીઓએ નરસિંગડી જિલ્લાની જેલ પર હુમલો કરીને કેદીઓને આઝાદ કરી દીધા છે. એક પોલીસકર્મીએ જણાવ્યું કે, સેંકડો કેદીઓ મુક્ત થઈ ગયા છે. ભારત પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશમાં લગભગ 15,000 ભારતીયો રહે છે, જેઓ સુરક્ષિત છે. આજે જણાવવામાં આવ્યું કે, 778 ભારતીય વિદ્યાર્થીઓ બંદરો દ્વારા ભારત પરત ફર્યા છે. 200 વિદ્યાર્થીઓ વિમાન દ્વારા પરત ફર્યા છે. બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર 4000 વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. ભૂટાન અને નેપાળના વિદ્યાર્થીઓને પણ ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. 

આ કારણોસર થઈ રહ્યો વિરોધ પ્રદર્શન

પ્રદર્શનકારીઓ 1971માં મુક્તિ સંગ્રામમાં ભાગ લેનારાઓના પરિવારના સભ્યો માટે 30% અનામત નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. બીજી તરફ શેખ હસીનાની પાર્ટીએ તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.


Google NewsGoogle News