બાંગ્લાદેશે ભારત સ્થિત રાજદૂતને પાછા બોલાવ્યા : અન્યની નિયુક્તિ કરશે
- યુએનમાં વડાપ્રધાન મોદી યુનુસને મળ્યા પણ નહીં
- યુનુસે યુએન સ્થિત રાજદૂત ઉપરાંત બેલ્જિયમ, યુકે, પોર્ટુગલ અને ઓસ્ટ્રેલિયા સ્થિત રાજદૂતોને પણ પાછા બોલાવી લીધા
ઢાકા : બાંગ્લાદેશે ભારતમાંથી તેા હાઈ કમિશનર મુસ્તાફિર રહેમાનને પાછા બોલાવી લીધા છે. તેમને સ્થાને અન્યની નિયુક્તિ કરાશે. બાંગ્લાદેશમાંથી શેખ હસીનાનું શાસન ગયા પછી સત્તા સ્થાને આવેલા મોહમ્મદ યુનુસે વિદેશ મંત્રાલય અને વિદેશ નીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તેને પગલે તેમણે ભારત સ્થિત ઉચ્ચાયુક્ત મુસ્તફિઝ ઉર રહેમાનને ઢાકા પાછા બોલાવી લીધા છે. તેમના સ્થાને અન્ય કોઇની નિયુક્તિ કરાવવામાં આવશે.
આ ઉપરાંત યુએન સ્થિત બાંગ્લાદેશના કાયમી પ્રતિનિધિ મોહમ્મદ અબ્દુલ મુહિથ બેલ્જિયમ સ્થિત રાજદૂત, મહેબુબ હસન સાલેહ, યુકે સ્થિત હાઈકમિશનર સૈદા મુના તસલીમ, ઓસ્ટ્રેલિયા સ્થિત રાજદૂત એમ. અબ્બાસ સિદ્દીકી અને પોર્ટુગલ સ્થિત રાજદૂત રેજીના અહમદને પણ પાછા બોલાવી લીધા છે. જો કે તેમના સ્થાનોએ અન્યોની નિયુક્તિ કરવામાં આવશે તે પણ નિશ્ચિત લાગે છે.
આ ઘટનાક્રમને અનુલક્ષીને જ બાંગ્લાદેશ સ્થિત ભારતના હાઈકમિશનર પ્રણય વર્માને ગઇકાલે બાંગ્લાદેશની સરકારના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈનને મળ્યા હતા. પરંતુ આ ફેરફાર અંગે તેઓએ કોઈ કારણ નથી તેમ કહેતાં જણાવ્યું હતું કે આ તો એક રૂટીન માત્ર છે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા સમયે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પણ ત્યાં ગયા હતા પરંતુ બાંગ્લાદેશમાં લઘુમતિ હિન્દુઓ ઉપર થઇ રહેલા અત્યાચારોને લક્ષ્યમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનુસને મળ્યા પણ નહીં. પરંતુ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તેઓ સાથે માત્ર થોડી જ ઔપચારિક વાત કરી હતી.
બાંગ્લાદેશ ઉપર ચીનનો ડોળો છે. તે બાંગ્લાદેશનાં બે ખારા ચિત્તગોંગ અને કાકેર બજારમાં પોતાના લશ્કરી થાણા નાખવા માગે છે. બાંગ્લાદેશ તે માટે મંજૂરી પણ આપી દે આથી બંને દેશો વચ્ચે તણાવ વધશે જ.