બાંગ્લાદેશમાં ફરી ઈસ્કોન વિરુદ્ધ કટ્ટરપંથીઓના દેખાવ, દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી
Bangladesh Iskcon Controversy: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુઓ પર કટ્ટરવાદી સંગઠનોના હુમલા હજુ શરૂ જ છે. જોકે, આ મામલે વિરોધમાં હિન્દુઓ સાથે એકતા બતાવવા બદલ હવે કટ્ટરવાદી સમૂહો ઈસ્કોન મંદિરને ટાર્ગેટ બનાવી રહ્યાં છે. આ ક્રમમાં શુક્રવારે (8 નવેમ્બર) ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામે બાંગ્લાદેશના ચટગાંવમાં ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઈસ્કોન પર પ્રતિબંધની માગ
શુક્રવારે બપોરે જુમ્માની નમાઝ બાદ ચટગાંવમાં અંદરકિલા જામા મસ્જિદ સામે વિરોધ રેલી કાઢવામાં આવી હતી. હિફાઝત-એ-ઇસ્લામ સમૂહના મુસ્લિમ કટ્ટરવાદીઓએ ભારત વિરોધી અને ઈસ્કોન વિરોધી નારા લગાવ્યા હતાં. હકીકતમાં, ઈસ્કોન દ્વારા આઠ સૂત્રી માગ માટે સામાન્ય હિન્દુઓ સાથેની એકતા બતાવ્યા બાદ દેશભરના ઇસ્લામિક સંગઠનોએ ઈસ્કોન પર દેશવ્યાપી પ્રતિબંધ લગાવવાની માગ કરી અને ઈસ્કોનને ભારતીય 'ઉગ્રવાદી' સંગઠન જાહેર કરી દીધું.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાના ખતરનાક દૃશ્યો, યુનુસ સરકાર મૌન, ભારત લાલઘુમ
ઈસ્કોનને આપી ધમકી
અંદરકિલા વિસ્તારમાં એક વિરોધ રેલીમાં હિફાઝત-એ-ઇસ્લામના નેતાઓએ ઈસ્કોન અને ભારતીયોને ધમકી આપી હતી. જણાવી દઈએ કે, 5 ઓગસ્ટે સત્તા પરિવર્તન બાદથી જ બેંગલુરૂમાં ઇસ્લામી કટ્ટરવાદી ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. આ સમૂહોએ ડૉ. યુનુસ પ્રશાસન હેઠળ ભાગ લેનાર અલ્પસંખ્યક હિન્દુઓ સામે અત્યાચાર કર્યાં છે.
આ પણ વાંચોઃ કેનેડા અને બાંગ્લાદેશમાં હિંદુઓની મુશ્કેલી વધતા ભડક્યું ભારત, બંને દેશોને આપી ચેતવણી
ભારતે કટ્ટરવાદી સામે કાર્યવાહીની કરી માગ
બાંગ્લાદેશના ચટગાંવમાં ભડકાઉ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ તણાવની ખબર વચ્ચે ભારતે ગુરૂવારે (7 નવેમ્બર) કટ્ટરવાદી તત્ત્વો સામે કાર્યવાહી કરવા અને દેશના હિન્દુ સંપ્રદાયની સુરક્ષા સુનિશ્ચિક કરવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ચટગાંવમાં હિન્દુ સંપ્રદાયના સભ્યો પર કથિત હુમલાની ટીકા કરી છે. તેઓએ કહ્યું કે, તણાવ સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટનું પરિણામ હતું. અમે સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો પ્રસારિત થતાં જોયા છે. આ નિંદનીય છે. અલ્પસંખ્યકોને સુરક્ષા પ્રદાન કરવું બાંગ્લાદેશની વિશેષ જવાબદારી છે.