અનામતના વિરોધમાં સળગ્યું બાંગ્લાદેશ, 64ના મોત: જેલમાં આગ લગાવી કેદીઓને છોડાવાયા
Photo shared by @PressReporter07 |
Bangladesh Protest ViolenceBangladesh Violence : બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રમખાણે હિંસક સ્વરૂપણ ધારણ કરી લીધું છે. પથ્થરમારો, ગોળીબાર, ટીયર ગેસના સેલ છોડવાની ઘટનાઓ બન્યા બાદ હવે જેલમાં આગ ચાંપવાની ઘટના બની છે. મળતા અહેવાલો મુજબ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ નરસિંગડી જિલ્લાની એક જેલની ઈમારતને આંગ લગાવી દીધી છે અને સેંકડો કેદીઓને મુક્ત કરાવ્યા છે.
પ્રદર્શનકારીઓએ જેલમાં આગ ચાંપી
મીડિયા અહેવાલો મુજબ, પોલીસે જણાવ્યું કે, પ્રદર્શનકારીઓએ જેલમાં આગ ચાંપી દીધી અને કેદીઓ જેલમાંથી ભાગી ગયા. અમને જેલમાંથી કેટલા કેદીઓ ભાગી ગયા, તેની સંખ્યા ખબર નથી, જોકે સેંકડો કેદીઓ ભાગી ગયા હોવાની આશંકા છે. એક સરકારી અધિકારીએ જેલમાંથી કેદીઓ ભાગવાના અહેવાલોની પુષ્ટી કરી છે, જોકે તેમણે વધુ માહિતી આપી નથી.
જાહેર સમારોહ પર પ્રતિબંધ
દરમિયાન ઢાકા પોલીસે હિંસક પ્રદર્શન રોકવા માટે તમામ જાહેર સમારોહ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પોલીસ પ્રમુખ હબીબુર રહેમાને કહ્યું કે, ‘અમે આજે ઢાકામાં તમામ રેલીઓ અને જાહેર સમારોહ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જાહેર સુરક્ષા માટે આ નિર્ણય લેવો જરૂરી હતો.’
બીજીતરફ એક પ્રદર્શનકારીએ કહ્યું કે, ‘અમારો વિરોધ યથાવત્ રહેશે. તેઓ બાંગ્લાદેશના વડાંપ્રદાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન જે હત્યાઓ થઈ છે, તેની પાછળ સરકાર જવાબદાર છે.’ હિંસાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 64 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં આરક્ષણ મુદ્વે હિંસક પ્રદર્શન, જાણો આખો મામલો શું છે
બાંગ્લાદેશના આ શહેરોમાં હિંસા થઈ
ઢાકા, ચિત્તાગોંગ, રંગપુર અને કુમિલા સહિત બાંગ્લાદેશના ઘણા શહેરોમાં લાકડીઓ અને પથ્થરોથી સજ્જ હજારો વિદ્યાર્થીઓની સશસ્ત્ર પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી. વિદ્યાર્થીઓનો વિરોધ, પછી આગચંપી અને પથ્થરમારાના કારણે ઢાકા સહિત દેશના ઘણા મોટા શહેરોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલો મુજબ, આઠ જિલ્લામાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. દેખાવકારોએ રસ્તાઓ અને રેલ માર્ગો બંધ કરી દીધા છે. ઢાકા, મૈમનસિંઘ, ખુલના અને ચટગાંવમાં અવરોધને કારણે રેલ સેવાઓને ખરાબ રીતે અસર થઈ છે.
હિંસા કેમ થઈ ?
બાંગ્લાદેશ હાઇકોર્ટે પાંચ જુને આરક્ષણને મંજૂરી આપવાનો નિર્ણય લીધા બાદ આ પ્રદર્શનો શરુ થયા છે. કોર્ટે સ્વાતંત્ર સેનાનીઓ અને તેમના વંશજોને સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત કોટાને મંજૂરી આપી હતી. આ પહેલા 2018માં પણ આવો નિર્ણય લેવાયો હતો, જોકે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મોટા પાયે આંદોલન થતાં નિર્ણય પરત ખેંચવો પડ્યો હતો.
આ પણ વાંચો : બાંગ્લાદેશ તોફાનો : ભારતીયોને ઘરમાં રહેવા દૂતાવાસની સલાહ
વડાંપ્રધાને આગમાં ઘી હોમવાનું કામ કર્યું
વડાંપ્રધાન શેખ હસીનાએ રવીવારે પ્રદર્શનકારીઓેની સરખામણી રઝાકારો સાથે કરીને આગમાં ઘી નાખવાનું કામ કર્યુ હતું. રઝાકારએ બાંગ્લાદેશમાં દેશદ્વોહીઓ માટે વપરાતો શબ્દ છે. 1971માં બાંગ્લાદેશના મુકિતસંગ્રામનો વિરોધ કરીને રઝાકારોએ કાળો કેર વરતાવ્યો હતો. બાંગ્લાદેશમાં સરકારી નોકરીને કારર્કિદી માટે સૌથી વધુ પસંદ કરે છે. રિપોર્ટ મુજબ, દર વર્ષે અંદાજે ચાર લાખ જેટલા ગ્રેજયુએટ 3000 જેટલી સરકારી જગ્યાઓ માટે પરીક્ષા આપે છે. 2018થી 56 ટકા સરકારી નોકરીઓ જુદી જુદી કેટેગરીઓ માટે આરક્ષિત હતી, જેમાં 30 ટકા બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા પરિવારોને આપવામાં આવતી હતી. મહિલાઓ અને અવિકસિત જિલ્લાના લોકોને 10 ટકા જયારે આદિવાસી સમુદાયો અને પાંચ ટકા વિકલાંગ વ્યકિતઓને એક ટકા આપવામાં આવે છે.