Get The App

બાંગ્લાદેશમાં હાલત બદતર, હિન્દુઓના ઘરો-મંદિરોને આગચંપી, છેલ્લા 24 કલાકમાં 100થી વધુ મોત

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં હાલત બદતર, હિન્દુઓના ઘરો-મંદિરોને આગચંપી, છેલ્લા 24 કલાકમાં 100થી વધુ મોત 1 - image


Bangladesh Protest: બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડાંપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધા બાદ પણ હિંસાનો સિલસિલો ચાલુ છે. સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. દેખાવકારોએ હિન્દુઓના મંદિરોને પણ નિશાન બનાવ્યા છે. તેમજ અધિકારીઓ તેમજ ઘણી સરકારી ઈમારતોને નુકસાન પહોંચાડ્યું છે. 

દેખાવકારોએ હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવ્યા

બાંગ્લાદેશમાં દેખાવકારોએ ફક્ત વડાપ્રધાન નિવાસ્થાન જ નહીં પરંતુ રાજધાની ઢાકા અને અન્ય વિસ્તારોમાં અવામી લીગના મંત્રી, સાંસદો અને નેતાઓના ઘરોને નિશાન બનાવ્યા છે. એટલુ જ નહીં બાંગ્લાદેશના ક્રિકેટરોના ઘરો પર પણ તોડફોડ કરી છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હિન્દુઓના ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાજધાનીમાં હિંદુ મંદિરો પર હુમલા અને મોટા પાયે લૂંટ સહિતની હિંસામાં લગભગ 100 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અમારી નજર, હસીનાએ ભારત આવવા માંગી મંજૂરી હતી; સંસદમાં વિદેશ મંત્રી જયશંકર

અગાઉ પણ હિન્દુ મંદિરો પર હુમલા થઈ ચૂક્યા છે

હિંસક ટોળાએ ઓછામાં ઓછા 27 જિલ્લાઓમાં હિંદુઓના ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓ પર હુમલો કરીને કિંમતી સામાન પણ લૂંટી ચલાવી છે. તેમજ દેશભરમાં ઓછામાં ઓછા 4 મંદિરોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરમાં પણ આગ લગાડવામાં આવી છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હોય, અગાઉ 2021, 2022 અને હવે 2024માં બાંગ્લાદેશના ઈસ્કોન મંદિર પર ત્રણ હુમલા થઈ ચૂક્યા છે.

બાંગ્લાદેશ સંકટ અંગે જયશંકરે રાજ્યસભામાં શું કહ્યું?

બાંગ્લાદેશ સંકટ મામલે રાજ્યસભામાં નિવેદન આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) કહ્યું કે 'અમે આ સંકટ પર નજર રાખી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ ત્યાં હિંસા ચાલુ છે. હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમે ઢાકાના સંપર્કમાં છીએ. શેખ હસીના (Sheikh Hasina)એ ભારત આવવાની પરવાનગી માંગી હતી. આ ઉપરાંત અમે બાંગ્લાદેશમાં ભારતીય સમુદાયના સંપર્કમાં પણ છીએ. બાંગ્લાદેશમાં 9000 વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીયો હાજર છે.’

આ પણ વાંચો : શેખ હસીના તો બચી ગયા, અમને બચાવો...: વિઝા વગર ભારતમાં આશરો લેવા માંગે છે બાંગ્લાદેશી નેતાઓ

બાંગ્લાદેશમાં વર્ષોથી હિન્દુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે

બાંગ્લાદેશમાં વર્ષોથી હિન્દુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે. દેશની વસ્તીમાં હિંન્દુઓનો હિસ્સો 1951માં 22 ટકા હતો જે ઘટીને 2022માં 8 ટકાથી ઓછો થઈ ગયો છે. નોંધનીય છેકે મુસ્લિમોની વસ્તી 1951માં 76 ટકાથી વધીને 91 ટકાથી વધુ થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશમાં 16 જુલાઈથી અત્યાર સુધીમાં લગભગ 500 લોકોની હત્યા કરવામાં આવી છે. હોસ્પિટલોમાંથી બહાર આવી રહેલી તસવીરો દર્શાવે છે કે મોટાભાગના લોકોને ગોળી વાગી છે. હજારો લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. 

બાંગ્લાદેશમાં હાલત બદતર, હિન્દુઓના ઘરો-મંદિરોને આગચંપી, છેલ્લા 24 કલાકમાં 100થી વધુ મોત 2 - image


Google NewsGoogle News