Get The App

અનામતની આગ : શેખ હસીનાએ બાંગ્લાદેશમાથી ભાગવું પડયું

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
અનામતની આગ : શેખ હસીનાએ બાંગ્લાદેશમાથી ભાગવું પડયું 1 - image


- એક સપ્તાહમાં 300નાં મોત : બાંગ્લાદેશમાં જનતાનો બળવો, શેખ હસીનાને ભારતમાં શરણ

- 15 વર્ષના શાસનનો અંત, સૈન્ય વડાએ દેશની જવાબદારી સંભાળી, શેખ મુજિબુરનું સ્મારક તોડયું 

- ડિક્ટેટર શેખ હસીનાના શાસનમાં લોકશાહી જેવું કંઇ રહ્યું નહોતું, તેઓ તમામ નિર્ણયો દેશ નહીં પણ ખુદના જ હિતમાં લેતા હતા : જનતાએ રોષ ઠાલવ્યો

ઢાકા : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં જનતા વર્તમાન શેખ હસીના સરકાર સામે બળવા પર ઉતરી આવી છે. હજારોની સંખ્યામાં લોકોએ શેખ હસીનાના નિવાસ સ્થાન તરફ કૂચ કરી હતી, જેને પગલે હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધુ હતું અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. ગુસ્સે ભરાયેલી જનતાએ શેખ હસીનાના ઘર પર હુમલો કર્યો હતો અને ભારે તોડફોડ કરી હતી. જ્યારે હસીનાના પિતા મુજિબુર રેહમાનના સ્મારકને હથોડાથી તોડી નાખ્યું હતું. એટલુ જ નહીં શેખ હસીનાના પક્ષ અવામી લીગના કાર્યાલયોને આગ લગાવી દીધી હતી. આ સાથે જ બાંગ્લાદેશમાં શેખ હસીનાના ૧૫ વર્ષના શાસનનો અંત આવ્યો હતો, જેને પગલે જનતાએ બાદમાં ઉજવણી કરી હતી. 

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં દેશના સૈન્ય વડા જનરલ વકાર ઉઝ ઝમને કહ્યું હતું કે શેખ હસીનાએ વડાંપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધુ છે અને હાલ કામચલાઉ સરકારે શાસન સંભાળી લીધુ છે. એટલે કે હાલ બાંગ્લાદેશની સંપૂર્ણ જવાબદારી સૈન્યએ પોતાના હાથમાં લઇ લીધી છે. સૈન્યના વડાએ કહ્યું હતું કે મહેરબાની કરીને સાથ સહકાર આપો, મે આ દેશની તમામ જવાબદારી સંભાળી લીધી છે. આ નિર્ણય તમામ રાજનેતાઓની સાથે બેઠક બાદ લેવામાં આવ્યો છે. 

૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, જે સમયે અલગ દેશની માગ સાથે ચળવળ ચલાવવામાં આવી હતી અને બાદમાં બાંગ્લાદેશની રચના થઇ હતી જે અગાઉ પાકિસ્તાનનો એક ભાગ હતું. આ યુદ્ધ અને ચળવળમાં ભાગ લેનારા સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને બાંગ્લાદેશમાં નોકરી વગેરેમાં ૩૦ ટકા અનામત આપવામાં આવી હતી. આ અનામત બાંગ્લાદેશની હાઇકોર્ટ દ્વારા અપાઇ હતી, જેને પગલે બાદમાં સમગ્ર દેશમાં કોર્ટના આ નિર્ણયની સામે હિંસક વિરોધ પ્રદર્શન થયો હતો. લોકોમાં સીધો શેખ હસીના અને તેમની સરકાર સામે જ ગુસ્સો ફાટી નીકળો હતો. હિંસક દેખાવોમાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. શેખ હસીના સરકાર સામેના આ સમગ્ર આંદોલનની શરૂઆત વિદ્યાર્થીઓ અને યુવાઓ દ્વારા થઇ હતી જેણે બાદમાં વિરાટ સ્વરુપ ધારણ કર્યું હતું. 

લોકો અનામતના મુદ્દાની સાથે સીધા સરકારની સામે જ બળવા પર ઉતરી આવ્યા હતા અને શેખ હસીનાના ઘર તરફ કૂચ કરી હતી અને તેમના રાજીનામાની માગણી કરી હતી. એક સાથે હજારો લોકો હુમલો કરવા આવી રહ્યા હોવાની જાણ થતા જ શેખ હસીના સૈન્યના હેલિકોપ્ટરની મદદથી ઘર છોડીને ભાગી ગયા હતા. બાદમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે હસીનાએ ભારતમાં શરણ લીધી છે. ભારતમાં હાલ તેમને સુરક્ષીત સ્થળે રાખવામાં આવશે. બીજી તરફ બાંગ્લાદેશના સૈન્ય વડાએ શેખ હસીનાના રાજીનામાની જાહેરાત કરતા જ લોકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી અને ઉજવણી કરવા લાગ્યા હતા. 

લોકોની ફરિયાદ હતી કે શેખ હસીનાના શાસનમાં દેશમાં લોકશાહી જેવુ કઇ રહ્યું જ નહોતું, તેઓ પોતાની મનમરજીથી ડિક્ટેટરની જેમ શાસન ચલાવતા હતા. બાંગ્લાદેશમાં તાજેતરમાં જ સંસદની ચૂંટણી યોજાઇ હતી જોકે તેમાં વિપક્ષ સામેલ નહોતો થયો અને સમગ્ર ચૂંટણીનો જ બહીષ્કાર કર્યો હતો. હવે જ્યારે શેખ હસીના સરકારનો અંત આવી ગયો છે ત્યારે ફરી ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતાઓ છે.  સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર શેખ હસીનાની સામે બળવો કરનારાઓએ જણાવ્યું હતું કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં તમામ લોકોમાં હાલ ખુશી જોવા મળી રહી છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને શેખ હસીનાના શાસનના અંતની ઉજવણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ડિક્ટેટરશિપમાંથી દેશને છોડાવ્યો છે અને લોકશાહીને ફરી જીવીત કરી છે અમે હવે સ્વતંત્ર છીએ.

બાંગ્લાદેશમાં સત્તા પલ્ટો ભારત માટે પડકાર

હસીના હટતા ઢાકામાં ફરી ભારત વિરોધી ઇસ્લામી કટ્ટરપંથીઓ મેદાનમાં

નવી દિલ્હી : ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાન અને તેના કુટુંબીજનોની હત્યા કરી સેનાએ સત્તા પોતાના હાથમાં લીધી હતી. લગભગ ૪૯ વર્ષે તેમના પુત્રી શેખ હસીનાને માત્ર ૪૫ મિનિટમાં હટાવી સેના અને વિરોધ પક્ષોએ ભેગા મળી ફરી સત્તા આંચકી લીધી છે. જાન્યુઆરીમાં વિવાદિત ચૂંટણીમાં ચોથી વખત સત્તા મેળવનાર હસીના ભાગી અત્યારે ભારત પહોંચ્યા છે અને લંડન ખાતે રાજકીય આશરો મળે એવી આશા રાખી રહ્યા છે. બાંગ્લાદેશની રાજકીય અનિશ્ચિતતા ભારત માટે ચિંતાનો વિષય છે. પાડોશી દેશોમાં પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને માલદિવ્સ પછી હવે વધુ એક દેશ ભારત માટેના સૌથી મોટા દુશ્મન ચીનના હાથમાં સરકી રહ્યો છે.

ભારત અને બાંગ્લાદેશ ૪૧૫૬ કીલોમીટરની સરહદ ધરાવે છે. બાંગ્લાદેશના ઘૂસણખોરો માત્ર આસામ, પશ્ચિમ બંગાળ નહીં સમગ્ર દેશ માટે હંમેશ તકલીફ ઉભી કરતા આવ્યા છે. બીજું, શેખ હસીનાનો વિરોધ કરનારા રાજકીય પક્ષો, સેના અને અન્ય સંગઠનો અંતિમવાદી મનોવૃત્તિ ધરાવે છે. આ સ્થિતિમાં ભારતે ચોક્કસ સાવધ રહેવું પડશે.

વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટીના ખાલેદા ઝિયા ચીન અને પાકિસ્તાન તરફ કુણું વલણ ધરાવે છે. શેખ હસીના ભારતીય એજન્ટ છે અને બાંગ્લાદેશમાંથી ભારતીયોને કાઢવાના અભિયાન ઝિયા અને અન્ય વિરોધ પક્ષ જમાત-એ-ઇસ્લામી ચલાવી ચૂકયા છે. બંને પક્ષ ઇસ્લામી કટ્ટરપંથીને સમર્થન પણ આપે છે. શેખ હસીનાએ છેલ્લા ૧૫ વર્ષમાં ભારત સાથે મજબૂત સંબંધો રાખ્યા હતા જેમાં સૈનિક, રાજકીય, રાજદ્વારી અને આર્થિક સહકારોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૯ અગાઉના બાંગ્લાદેશમાં ભારત વિરોધી ત્રાસવાદી કેમ્પ, ત્રાસવાદીઓને શરણ આપવા, ભારતમાં ત્રાસાદીઓની ઘૂસણખોરી સરળ હતી. આ ભૂતકાળ ફરી જીવંત થાય એવી શક્યતા છે. અને એટલે જ બાંગ્લાદેશની સ્થિતિ, ત્યાં કોની સરકાર બને છે, સેના સત્તા સાથે ચોંટેલી રહે છે કે ફરી લોકશાહી સ્થપાશે એના ઉપર ભારતે ચાંપતી નજર રાખવી પડશે.

પાક.-ચીને કટ્ટરવાદીઓને ઉશ્કેર્યા

બે હિન્દુ કાઉન્સીલરની હત્યા  હિન્દુ મંદિરોમાં તોડફોડ કરાઈ

ઢાકા, નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ભારત તરફી વડાપ્રધાન શેખ હસીના સામે હવે આ અરાજક તત્વો રણે ચઢયા છે. આ રમખાણો હવે માત્ર સરકાર વિરૂધ્ધ જ ન રહેતાં હિન્દુઓ તરફ વળી ગયા છે. અરાજક તત્વોએ રવિવારે ૧૦૦થી વધુ લોકોની હત્યા કરી હતી, જેમાં બે હિન્દુઓ કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. કટ્ટરવાદી તત્વોએ કાલી મંદિર તથા ઇસ્કોન મંદિરો સહિત અનેક હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી છે.

આ રમખાણોમાં માર્યા ગયેલા રંગપુર સીટી કોર્પોરેશનના કાઉન્સિલર હર્ષવર્ધન રૉય તેમજ અન્ય  કાઉન્સિલર કાજલ રૉયની પણ હત્યા કરાઈ છે. કાજલ રૉયને તો ગોળીથી ઠાર મારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રવિવારે સાંજે તો આ રમખાણો હાથ બહાર ગયા હતા. પોલીસની બેરીકેડસ પણ તોડી રમખાણકારો ધસી ગયા હતા. તેઓએ રંગપુરમાં તો આતંક મચાવી દીધો હતો. ત્યાં રહેલા કાલી મંદિર તથા ઇસ્કોન મંદિરમાં પણ ભારે તોડફોડ કરી હતી. કટ્ટરવાદીઓના હુમલા દર્શાવે છે કે, તેની પાછળ પાકિસ્તાન અને ચીનનો હાથ હોવાની આશંકા છે.

વાસ્તવમાં પાકિસ્તાનમાં તો હવે ખાવા ધાન નથી રહ્યું તેવે સમયે પાકિસ્તાનના શાસકો જનતાનું ધ્યાન બીજે દોરવા આ તોફાનો કરાવી રહ્યું છે તે નિશ્ચિત બની ગયું છે. નહીં તો તોફાનીઓ મંદિરોમાં પણ તોડફોડ શા માટે કરે ? આમ છતાં કેટલાએ હિન્દુઓએ તોડફોડ થઈ ગયેલા મંદિરોમાં સ્વબચાવ માટે આશ્રય લીધો છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, આંદોલનનું મૂળ કારણ એક તરફ રહી ગયું છે. આંદોલનો ધર્માંધતા તરફ વળી ગયા છે.

આ તોફાનોમાં માર્યા ગયેલા હર્ષવર્ધન રૉય રંગપુર શહેરના વોર્ડ-૪ ના પરશુરામ થાણા આવામી લીગના જ કાઉન્સિલર હતા. તેવી જ રીતે રંગપુરના એક અન્ય હિન્દુ બાંગ્લાદેશ કાજલ રૉય પણ આ વ્યાપક રમખાણોના ભોગ બન્યા હતા. તેઓને ગોળીથી ઠાર મારવામાં આવ્યા હશે તેમ પણ કહેવાય છે.


Google NewsGoogle News