બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીના સોનિયા ગાંધીને ભેટી પડયાં : રાહુલ-પ્રિયંકાને પણ મળ્યાં

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીના સોનિયા ગાંધીને ભેટી પડયાં : રાહુલ-પ્રિયંકાને પણ મળ્યાં 1 - image


- મોદીના શપથગ્રહણ પૂર્વે એક દિવસે શનિવારે જ તેઓ નવી દિલ્હી આવી પહોંચ્યાં હતાં

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેલાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આગલે દિવસે શનિવારે જ પાટનગર આવી પહોંચ્યાં હતાં. ત્યારે સહજ રીતે તેઓ બાંગ્લાદેશનાં દૂતાવાસમાં ઉતર્યા હતાં. જ્યાં તેઓને મળવા માટે કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી તેમજ તેઓનાં પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા અને પુત્ર રાહુલ ગાંધી બાંગ્લાદેશના દૂતાવાસમાં પહોંચ્યાં ત્યારે શેખ હસીના સોનિયા ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રાને ભેટી પડયાં હતાં. તથા રાહુલ ગાંધીના ખબરઅંતર પૂછ્યા હતા. પછી તેઓ સાથે ચા-નાસ્તો પણ લીધાં હતાં.

વિશ્લેષકોનું સ્પષ્ટ કહેવું છે કે બંગ-બંધુ શેખ મુજિબ ઉર્ રહેમાનનાં નેતૃત્વ નીચે તે સમયનાં પૂર્વ પાકિસ્તાનમાં આઝાદીનું આંદોલન શરૂ થયું. બંગ બંધુને તેઓના સાથીઓએ તત્કાળ લંડન પહોંચી જવા કહ્યું કારણ કે પાકિસ્તાની સૈનિકો કદાચ તેઓની હત્યા કરે અથવા તો ધરપકડ પણ કરે. આ આંદોલન તીવ્રતાએ પહોંચતાં ત્યાંના યુવાનોએ બંગ-વાહીની રચી તેને સહાય કરવા ઈન્દિરાજીના કહેવાથી તે સમયના રાષ્ટ્રપતિ વરાહગીરી વેંકટગીરીએ ભારતીય સેનાને મોકલી પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનું સર્જન થયું. ત્યારથી ઇંદિરા ગાંધીનાં કુટુમ્બ અને મુજિબ-ઉર્-રહેમાનનાં કુટુંબ વચ્ચે ઘનિષ્ઠતા રહેલી છે. તેથી જ શેખ હસીનાને મળવા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશના દૂતાવાસે ગયા હતાં.


Google NewsGoogle News